કચ્છમાં નકલી કોલગેટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, એકની ધરપકડ

ભચાઉઃ રાપરના ચિત્રોડ ગામે ડુપ્લિકેટ કોલગેટની ફેક્ટરી ઉપર પોલીસે દરોડા પાડી જથ્થો જપ્ત કર્યો છે. બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન હેઠળના ચિત્રોડમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવવાની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

નકલી ફેક્ટરીની જાણ કોલગેટ કંપનીને કરવામાં આવતાં આ કોલગેટ ડુપ્લિકેટ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ફેક્ટરીમાં પ્રખ્યાત બ્રાન્ડ કોલગેટ (Colgate)ને નામે નકલી ટૂથપેસ્ટ બનાવવામાં આવતી હતી. આરોપીઓ સસ્તી અને નબળી ગુણવત્તાવાળા પદાર્થોનો ઉપયોગ કરીને ટૂથપેસ્ટ તૈયાર કરતા હતા અને તેને બજારમાં અસલી કોલગેટ તરીકે વેચીને ગ્રાહકોને છેતરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી આશરે રૂ. 9.43 લાખની કિંમતનો મુદ્દા માલ, જેમાં નકલી ટૂથપેસ્ટનો જથ્થો, પેકિંગ મટીરિયલ અને ઉત્પાદન માટેનાં સાધનોનો સમાવેશ થાય છે, તે કબજે કર્યો છે, એમ પોલીસ જણાવ્યું છે.

આ કેસમાં પોલીસે ચાર શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે માત્ર છેતરપિંડી કે કોપીરાઈટ ભંગની કલમો જ નહીં, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવા બદલ પણ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકારે નકલી ઉત્પાદનો બનાવવાથી ગ્રાહકોના આરોગ્યને જોખમ પહોંચે છે. પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચીને રાજ્યના અન્ય વિસ્તારોમાં આ નકલી ટૂથપેસ્ટનો જથ્થો ક્યાં-ક્યાં સપ્લાય થતો હતો તેની તપાસ શરૂ કરી છે.