મુંબઈઃ ‘મહાભારત’ ટીવી સિરિયલમાં ભીષ્મ પિતામહનું પાત્ર ભજવનાર અને ‘શક્તિમાન’ સિરિયલમાં શિર્ષક ભૂમિકા ભજવનાર અભિનેતા મુકેશ ખન્ના ‘આદિપુરુષ’ ફિલ્મના પાત્રોનાં વાંધાજનક કોસ્ચ્યૂમ્સ અને વિવાદાસ્પદ સંવાદોને કારણે ખૂબ જ ભડકી ગયા છે.
એક ઈન્ટરવ્યૂમાં ખન્નાએ કહ્યું કે, ‘ફિલ્મના સર્જકોએ હિન્દુ ગ્રંથ રામાયણ વાંચ્યો જ નથી. ભગવાન શિવજીએ રાવણને વરદાન આપ્યું હતું. હવે જે લોકોને એ વિશેનું જરાય જ્ઞાન નથી તેઓ મોટી મોટી વાતો કરે છે. તદ્દન વાહિયાત છે. ગઈ કાલે જ મેં મારી ચેનલ પર કહ્યું હતું કે ‘આદિપુરુષ’ની આખી ટીમને 50 ડિગ્રી સેલ્સિયસમાં ઊભા રાખીને બાળી મૂકવી જોઈએ.’ ખન્નાએ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત અને સંવાદલેખક મનોજ મુંતશિરની ઝાટકણી કાઢી છે. ‘મને તો એમ હતું કે વિવાદ થવાથી એ લોકો સંતાઈ જશે, પણ એનાથી ઊલટું, એ લોકો જાહેરમાં આવ્યા છે અને વાહિયાત ખુલાસા કરી રહ્યા છે. ‘આદિપુરુષ’ના નિર્માતાઓએ હિન્દુ ધર્મની મજાક ઉડાવી છે,’ એમ તેમણે વધુમાં કહ્યું.