ન્યૂયોર્કઃ અભિનેતા અને કોમેડિયન વીર દાસે ઈતિહાસ રચ્યો છે. એમણે નેટફ્લિક્સ પર પ્રસારિત એમના ટીવી શો ‘વીર દાસઃ લેન્ડિંગ’ માટે પ્રતિષ્ઠિત ‘ઈન્ટરનેશનલ એમી એવોર્ડ’ જીત્યો છે. આ એવોર્ડ એમને બેસ્ટ યૂનિક કોમેડી સ્પેશિયલ કેટેગરીમાં આપવામાં આવ્યો છે. ગઈ કાલે અહીં યોજવામાં આવેલા 51મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ-2023 કાર્યક્રમમાં એમને આ ટ્રોફી આપવામાં આવી હતી. ‘વીર દાસઃ લેન્ડિંગ’ શોએ ફ્રાન્સ, આર્જેન્ટિના અને બ્રિટનના કોમેડી શોને પરાજય આપ્યો છે. આ જ કાર્યક્રમમાં ટીવી સિરિયલ નિર્માત્રી એકતા કપૂરને ‘ઈન્ટરનેશનલ એમી ડાઈરેક્ટોરેટ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ જીતનાર એકતા પહેલાં જ ભારતીય મહિલા છે. વર્ષ 2022 માટેના ટીવી શો માટે કલાકારો-કસબીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
દુનિયાભરમાં રજૂ કરાતા શ્રેષ્ઠ ટીવી શો અને તેમના કલાકાર-કસબીઓને ઈન્ટરનેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સીસ સંસ્થા દ્વારા એવોર્ડ આપવામાં આવે છે.
શેફાલી શાહ એવોર્ડ જીતવામાં નિષ્ફળ
અભિનેત્રી શેફાલી શાહ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહ્યાં છે. નેટફ્લિક્સ દ્વારા પ્રસારિત ટીવી સીરિઝ ‘દિલ્હી ક્રાઈમ સીઝન 2’માં કરેલા અભિનય બદલ શેફાલીને બેસ્ટ એક્ટ્રેસ માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં, પરંતુ આ એવોર્ડ જીતવામાં મેક્સિકન અભિનેત્રી કાર્લા સુઝા સફળ થઈ છે, ફિલ્મ ‘ડાઈવ’માં કરેલા અભિનય માટે.