‘સૅમ બહાદુર’માં વિકી કૌશલ બનશે ફિલ્ડ માર્શલ સૅમ માણેકશા

મુંબઈઃ દિગ્દર્શક મેઘના ગુલઝાર નવી ફિલ્મ બનાવી રહ્યાં છે ‘સૅમ બહાદુર’, જે ભારતના મહાન યુદ્ધનાયકોમાંના એક, સદ્દગત લશ્કરી વડા જનરલ સૅમ માણેકશાના જીવન પર આધારિત હશે. 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતની શાનદાર જીત બાદ એ વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ જનરલ માણેકશાને ‘ફિલ્ડ માર્શલ’ની વિશિષ્ટ રેન્કથી સમ્માનિત કર્યાં હતાં. આ રેન્ક મેળવનાર જનરલ માણેકશા દેશના પ્રથમ લશ્કરી વડા હતા. આ ફિલ્મમાં વિકી કૌશલ ભજવશે ફિલ્ડ માર્શલ સૅમ માણેકશાનું પાત્ર.

મેઘના ગુલઝારે આ ફિલ્મ માટે બે અભિનેત્રીને કરારબદ્ધ કરી છે – સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ. આ બંને યુવા અભિનેત્રી ‘દંગલ’ ફિલ્મમાં કુસ્તીબાજ બહેનોનાં રોલમાં ચમકી હતી. ‘સૅમ બહાદુર’માં સાન્યા મલ્હોત્રા બનશે માણેકશાની પત્ની સીલૂ જ્યારે ફાતિમા સના શેખ ભજવશે ઈન્દિરા ગાંધીનો રોલ. 1971ના યુદ્ધમાં ભારતના સશસ્ત્ર દળોની જીતને 50 વર્ષ પૂરા થયા એની ઉજવણી રૂપે મેઘના ગુલઝાર આ ફિલ્મ બનાવી રહ્યાં છે. ફિલ્મના નિર્માતા છે રોની સ્ક્રૂવાલા. જનરલ સૅમ માણેકશાની લશ્કરી કારકિર્દી ચાર દાયકા લાંબી રહી હતી જે દરમિયાન એમણે પાંચ યુદ્ધ જોયા હતા.