ઋત્વિકે આયુષ્માનની ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ની પ્રશંસા કરી

મુંબઈઃ બોલીવૂડ સ્ટાર ઋત્વિક રોશને ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’માં આયુષ્માન ખુરાનાની એક્ટિંગની પ્રશંસા કરી છે.  આ સાથે તેણે તેના સહ-કલાકાર વાણી કપૂર અને ફિલ્મનિર્માતા અભિષેક કપૂરની પણ પ્રશંસા કરી છે. આ ફિલ્મ જોઈને ‘વોર’ અભિનેતાએ આયુષ્માનની સાથે-સાથે તેની સહ-અભિનેત્રી વાણી કપૂર અને દિગ્દર્શક અભિષેક કપૂરની પણ પ્રશંસા કરી છે.

ઋત્વિકે આ ફિલ્મનું પોસ્ટર શેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે જો તમે આ ફિલ્મ ના જોઈ હોય તો પ્લીઝ, મુવી જોવાનું ચૂકશો નહીં. મેં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક છે. સમગ્ર ટીમને અભિનંદન… @gattukapoor @ayushmannk @_vaanikapoor_.”

આયુષ્માન ફિલ્મમાં બોડી બિલ્ડરની ભૂમિકામાં છે, જ્યારે વાણી ફિલ્મમાં ટ્રાન્સ વુમનની ભૂમિકામાં છે. ફિલ્મ વિશે મોટા ભાગના વિવેચકોનો અભિપ્રાય હકારાત્મક છે.

તેણે તેના ટ્વિટર હેન્ડલ પર અભિષેક, આયુષ્માન અને વાણી વિશે વિશેષ નોંધ મૂકી હતી અને તેમના સારા કાર્ય બદલ પ્રશંસા કરી હતી.

આયુષ્માનને એક અસાધારણ અભિનેતા તરીકે વર્ણવતાં ઋત્વિકે ટ્વિટર પર લખ્યું હતું કે તું ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છો.

રિતિકે દિગ્દર્શક અભિષેક કપૂર માટે એક મેસેજ લખ્યો છે, જેમાં તેણે ફિલ્મની ઉજવણી સાથે કરવા માટે આમંત્રણ આપ્યું છે. તેણે લખ્યું, ‘ડિયર ગટ્ટુ. મેં ‘ચંદીગઢ કરે આશિકી’માં જે જોયું તારા હૃદય સાથે કોમર્શિયલ એન્ટરટેઈનમેન્ટનું મિશ્રણ હતું. હું રડ્યો અને હસ્યો.

આયુષ્માનની ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’એ શુક્રવારે બોક્સ ઓફિસ પર સરેરાશ ઓપનિંગ કરી હતી, પરંતુ શનિવારે સારું કલેક્શન કર્યું હતું. તેનું બે દિવસનું કલેક્શન રૂ. આઠ  કરોડની આસપાસ છે.