મુંબઈઃ વીતી ગયેલા વર્ષોની હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી કુમકુમનું આજે અહીં બાન્દ્રા ઉપનગરમાં એમનાં નિવાસસ્થાને આજે અવસાન થયું છે. એમની વય 86 વર્ષ હતી.
કુમકુમે 115 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એમની અમુક જાણીતી ફિલ્મોના નામ છેઃ આરપાર (1954), પ્યાસા, મેમ સાહેબ, ચાર દિલ ચાર રાહેં, મિસ્ટર એક્સ ઈન બોમ્બે, મધર ઈન્ડિયા, સન ઓફ ઈન્ડિયા, કોહિનૂર, ઉજાલા, નયા દૌર, શ્રીમાન ફન્ટૂશ, રાજા ઔર રંક, લલકાર અને ગીત.
આર પાર ફિલ્મના ખૂબ જાણીતા થયેલા ગીત કભી આર કભી પાર લાગા તીરે નજરમાં કુમકુમે ડાન્સ કર્યો હતો. નિર્માતા-દિગ્દર્શક ગુરુ દત્તે અનેક સારી ડાન્સરની ચકાસણી કર્યા બાદ કુમકુમ પર પસંદગી ઉતારી હતી. ત્યારબાદ ગુરુ દત્તે કુમકુમને પોતાની અન્ય ફિલ્મ પ્યાસામાં એમને રોલ આપ્યો હતો.
1956માં આવેલી ફિલ્મ મેમ સાહેબમાં કુમકુમે શમ્મી કપૂર સાથે કામ કર્યું હતું અને 1959માં ચાર દિલ ચાર રાહેંમાં એમણે શમ્મી કપૂરની મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. લલકાર ફિલ્મમાં એ ધર્મેન્દ્ર સાથે રોમાન્સ કરતા જોવા મળ્યાં હતાં.
1934ની 22 એપ્રિલે બિહારના હુસૈનાબાદમાં જન્મેલાં કુમકુમનું ખરું નામ ઝૈબુનિસા હતું. એમનાં પિતા હુસૈનાબાદના નવાબ હતા.
કુમકુમ ઉત્તમ કથ્થક નૃત્યાંગના હતાં. એમણે તે માટે પંડિત શંભુ મહારાજ પાસે તાલીમ લીધી હતી.
દિલીપકુમાર અભિનીત કોહિનૂર ફિલ્મના મધુબન મેં રાધિકા નાચે રે ગીતમાં કુમકુમે કથ્થક નૃત્ય કર્યું હતું.
કુમકુમે 1970ના દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. ત્યારબાદ એમણે લગ્ન કર્યાં હતાં અને સાઉદી અરેબિયા જતાં રહ્યાં હતાં. અમુક વર્ષો બાદ એ ભારત પાછાં ફર્યાં હતાં. મુંબઈમાં બાન્દ્રા ખાતે પોતાનાં ઘરમાં એ નિવૃત્ત જીવન જીવતાં હતાં.