લાલબહાદુર શાસ્ત્રીના કહેવાથી મનોજ કુમારે ‘ઉપકાર’ ફિલ્મ બનાવી હતી

મુંબઈ – હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા મનોજ કુમાર આજે એમનો 81મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમનું સાચું નામ છે હરિકિશન ગિરી ગોસ્વામી.

1937ની 24 જુલાઈએ હાલ પાકિસ્તાનના એબટાબાદમાં જન્મેલા મનોજ કુમારે એમની ફિલ્મી કારકિર્દીમાં દેશભક્તિની લાગણીવાળી ફિલ્મો વધારે બનાવી છે અને કામ કર્યું છે. એક્ટર ઉપરાંત તેઓ એક લેખક પણ છે. એમના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતોઃ

ફિલ્મ ‘ઉપકાર’ના નિર્માણ વિશે રસપ્રદ વાત એ છે કે એ વખતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ મનોજ કુમારને કહ્યું હતું કે તમે ‘જય જવાન જય કિશાન’ સૂત્ર પર કોઈક ફિલ્મ બનવો. એમની વાત સ્વીકારીને મનોજ કુમારે ‘ઉપકાર’ ફિલ્મ બનાવી હતી.

– 1957માં આવેલી ‘ફેશન’ નામની ફિલ્મમાં 19 વર્ષના મનોજ કુમારે 90 વર્ષના બુઢ્ઢાની ભૂમિકા કરી હતી અને ત્યાંથી એમણે એમની ફિલ્મી સફર શરૂ કરી હતી. એ ફિલ્મમાં પ્રદીપ કુમાર, માલા સિન્હા મુખ્ય ભૂમિકામાં હતા. મનોજ કુમારે ભિખારીનો રોલ કર્યો હતો.

– મનોજ કુમારને જ્યારે એક ફિલ્મમાં લીડ એક્ટરના રોલની ઓફર આવી હતી ત્યારે એમણે કહ્યું હતું કે એ તેમની ફિયાન્સી શશિની સલાહ લેશે. શશિએ હા પાડ્યા બાદ મનોજ કુમારે ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી. બાદમાં શશિ સાથે જ એમણે લગ્ન કર્યા હતા.

– દિલીપ કુમારની ‘શબનમ’ ફિલ્મ જોઈને મનોજ કુમાર બહુ પ્રભાવિત થયા હતા અને એ ફિલ્મમાં દિલીપ કુમારના પાત્રના નામ પરથી જ એમણે પોતાનું નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી બદલીને મનોજ કુમાર રાખ્યું હતું.

– ‘દો બદન’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ ફિલ્મોમાં મનોજ કુમારના અભિનયની પ્રશંસા કરવામાં આી હતી. 1965ની ફિલ્મ ‘શહીદ’માં એમણે કરેલા સરદાર ભગત સિંહના રોલને દર્શકોએ બહુ પસંદ કર્યો હતો.

– ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મનોજ કુમારના સૌથી નિકટના મિત્રોમાં ધર્મેન્દ્રનું નામ મોખરે છે. એ દિલીપ કુમારને પોતાના આદર્શ માનતા હતા.

– અમિતાભ બચ્ચન એમની ફિલ્મો સતત ફ્લોપ જતી હતી એટલે પરેશાન હતા. એ મુંબઈ છોડીને એમના માતા-પિતા પાસે દિલ્હી પાછા જવાની તૈયારીમાં હતા ત્યારે મનોજ કુમારે એમને રોક્યા હતા અને ‘રોટી કપડા ઔર મકાન’ ફિલ્મમાં ભૂમિકા આપી હતી.

અભિનેત્રી નંદાએ ‘શોર’ ફિલ્મમાં મનોજ કુમાર માટે ફ્રીમાં કામ કર્યું હતું.

– ‘ઉપકાર’ ફિલ્મ માટે એમને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો.

– મનોજ કુમારને ભારત સરકાર દ્વારા 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

 

httpss://youtu.be/W-SzCv5B73s