મોટી બહેન જાન્વીનાં પગલે ખુશી કપૂર પણ બોલીવૂડમાં એન્ટ્રી કરશે

0
1727

મુંબઈ – કપૂર પરિવારની એક વધુ સભ્ય રૂપેરી પડદા પર જોવા મળશે. મોટી બહેન જાન્વીનાં પગલે હવે ખુશી કપૂરે પણ અભિનેત્રી બનવાનું નક્કી કરી લીધું છે.

બોલીવૂડમાં પ્રવેશવાનો સ્વ. અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની નાની દીકરી ખુશીનો કોઈ પ્લાન નહોતો, પરંતુ હવે અચાનક એણે મન બદલ્યું છે. એની ઈચ્છા મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધવાની હતી અને એ વખતે શ્રીદેવીએ પણ એને ટેકો આપ્યો હતો.

તેમ છતાં હવે ખુશીએ મોટી બહેનની જેમ અભિનેત્રી બનવાનું નક્કી કરી લીધું છે. એવું લાગે છે કે જિંદગીની પહેલી જ ફિલ્મ ‘ધડક’માં જાન્વીને મળેલી સફળતાથી પ્રેરાઈને ખુશીએ પણ ફિલ્મ લાઈનમાં જવાનું પસંદ કર્યું છે.

જ્યારે બોની કપૂરને પૂછવામાં આવ્યું હતું કે ખુશી પણ જાન્વીને પગલે બોલીવૂડમાં એન્ટ્રી કરે તો તમને ગમશે? ત્યારે બોનીએ હા પાડી હતી. એમણે કહ્યું હતું કે જાન્વીને પણ અભિનેત્રી બનવાનું મેં કહ્યું નહોતું, પણ જ્યારે એણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે મેં એને પ્રોત્સાહિત જરૂર કરી હતી. કોઈની કુદરતી ટેલેન્ટને શા માટે રોકવી જોઈએ? અર્જુનમાં એક્ટિંગની પ્રતિભા રહેલી છે એ પણ જ્યારે સલમાન ખાને મને કહ્યું ત્યારે મને ખબર પડી હતી. મારા ચારેય સંતાનોમાં સૌથી મોટી અંશુલા ભણવામાં બહુ હોંશિયાર છે અને એને ભણવામાં આગળ વધવાનું ગમે છે. ખુશીને પહેલા મોડેલિંગમાં આગળ વધવાની ઈચ્છા હતી, પણ હવે એણે મન બદલ્યું છે અને અભિનેત્રી બનવું છે.