મુંબઈ – અક્ષય કુમારને અવકાશ વિજ્ઞાની તરીકે ચમકાવનાર હિન્દી ફિલ્મ ‘મિશન મંગલ’ આજે સ્વાતંત્ર્ય દિવસે દેશભરમાં રિલીઝ થઈ છે.
બુધવારે મોડી સાંજે મુંબઈમાં આ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અક્ષયની ભૂતપૂર્વ અભિનેત્રી ટ્વિન્કલ ખન્નાએ દંપતીનાં સંતાનો – પુત્ર આરવ અને પુત્રી નિતારાની સાથે હાજરી આપી હતી.
આ ફિલ્મમાં અક્ષયે રાકેશ ધવન નામના પ્રોજેક્ટ ડાયરેક્ટરનો રોલ કર્યો છે.
ફિલ્મના શોમાં 2017માં આવેલી ‘ટોઈલેટઃ એક પ્રેમ કથા’ ફિલ્મમાં અક્ષય સાથે કામ કરનાર અભિનેત્રી ભૂમિ પેડણેકરે પણ હાજરી આપી હતી.
‘મિશન મંગલ’માં અક્ષયની સાથે વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નૂ અને નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી જેવી અભિનેત્રીઓ તથા શરમન જોશી જેવા અભિનેતાએ પણ કામ કર્યું છે.
રિલીઝ થયાના આજે પહેલા જ દિવસે આ ફિલ્મ વિશે સારા પ્રતિસાદ મળ્યા છે. આ ફિલ્મમાં મંગળ ગ્રહ પર ભારે લોન્ચ કરેલા પહેલા સેટેલાઈટ મંગલયાન વિશેની વાર્તા છે.
ટ્વિન્કલે અક્ષયની સાથે ‘ઈન્ટરનેશનલ ખિલાડી’ અને ‘ઝુલ્મી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. બંનેએ 2001ની 17 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. એમનો પુત્ર આરવ 16 વર્ષનો છે અને પુત્રી નિતારા 6 વર્ષની છે.
આ વર્ષમાં અક્ષયની ઘણી ફિલ્મો આવી રહી છે – હાઉસફૂલ 4, સૂર્યવંશી, ગૂડ ન્યૂઝ, લક્ષ્મી બોમ્બ. ‘સૂર્યવંશી’માં એની સાથે કેટરીના કૈફ, ‘ગૂડ ન્યૂઝ’માં કરીના કપૂર, દિલજીત દોસાંજ, કિઆરા અડવાની પણ જોવા મળશે.