મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં જાણીતાં ગાયિકા શારદા રાજન આયંગરનું આજે નિધન થયું છે. તેઓ 86 વર્ષનાં હતાં. 60 અને 70ના દાયકામાં સંગીત ક્ષેત્રમાં જે ખ્યાતનામ ગાયકો થઈ ગયાં એમાં શારદાજીનું પણ નામ લેવાય છે. 1937ની 25 ઓક્ટોબરે તામિલનાડુના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં શારદાનું કેન્સરને કારણે નિધન થયું છે.
1966માં આવેલી રાજેન્દ્ર કુમાર, વૈજયંતીમાલા અભિનીત ‘સૂરજ’ ફિલ્મમાં શારદાએ ગાયેલાં ગીતો – ‘તિતલી ઉડી ઉડ જો ચલી’, ‘દેખો મેરા દિલ મચલ ગયા’ સુપરહિટ થયાં છે. રાજ કપૂર, રાજશ્રી અભિનીત ફિલ્મ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’માં શારદાજીએ મુકેશ સાથે ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન એઈટ ડોલર્સ’ ગીત ગાયું હતું.
1970માં આવેલી હિન્દી ફિલ્મ ‘જહાં પ્યાર મિલે’માં હેલન અભિનીત કેબરે ગીત ‘બાત ઝરા હૈ આપસ કી’ માટે શારદાજીને 1971માં શ્રેષ્ઠ ગાયિકાનો ‘ફિલ્મફેર’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
શારદાજી હંમેશાં સંગીતકાર બેલડી શંકર-જયકિશન માટે કૃતજ્ઞ રહ્યાં હતાં. એમણે નામાંકિત સંગીતકારો અને ટોચનાં ગાયકો સાથે મળીને ગીતો ગાયાં છે. એમણે હિન્દી ઉપરાંત મરાઠી, ગુજરાતી, તેલુગુ અને અંગ્રેજી ભાષાઓમાં પણ ગીતો ગાયાં હતાં.