તિગમાંશુ ધુલિયા લખે છે ‘દબંગ 4’ની પટકથા

મુંબઈઃ ‘દિલ સે…’, ‘શાગિર્દ’, ‘પાન સિંહ તોમર’ અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફિલ્મોની પટકથા લખનાર તિગમાંશુ ધુલિયા હવે સલમાન ખાનને બહાદુર પોલીસ ઈન્સ્પેક્ટરના રોલમાં ચમકાવતી ‘દબંગ’ શ્રેણીની ચોથી ફિલ્મ ‘દબંગ 4’ની પટકથા લખી રહ્યા છે. ધુલિયા એક્ટર અને દિગ્દર્શક તરીકે પણ જાણીતા છે. સલમાને તેની ‘દબંગ’ શ્રેણીની ત્રીજી ફિલ્મ 2019માં રિલીઝ કરી હતી. એ જાહેરાત કરી ચૂક્યો છે કે ‘દબંગ’ની ચોથી આવૃત્તિ ઉપર પણ કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

એવો અહેવાલ છે કે સલમાનનો ભાઈ અરબાઝ ખાન ‘દબંગ 4’નું દિગ્દર્શન કરશે. ‘દબંગ’ ફિલ્મના ડાયલોગ્સ – ‘થપ્પડ સે ડર નહીં લગતા સાહબ, પ્યાર સે લગતા હૈ’ અને ‘હમ યહાં કે રોબિનહુડ હૈ, રોબિનહુડ પાંડે’ તથા ગીત – ‘હુડ હુડ દબંગ’, ‘તેરે મસ્ત મસ્ત દો નૈન’ અને પાર્ટી સોંગ ‘મુન્ની બદનામ હુઈ’ – લોકપ્રિય થયા છે.