મુંબઈ – સલમાન ખાન અભિનીત મેગા-બજેટવાળી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ રાજકીય વિવાદમાં સપડાઈ ગઈ છે.
આ ફિલ્મ બે દિવસ પછી, એટલે કે 22 ડિસેમ્બરે રિલીઝ થવાનું નિર્ધારિત છે.
રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટી દ્વારા સંચાલિત મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ સેના (MNCS)એ બે મરાઠી ફિલ્મને શોની ફાળવણી કર્યા વગર બધા શો ‘ટાઈગર ઝિંદા હૈ’ને ફાળવી દેવા બદલ મુંબઈ સહિત મહારાષ્ટ્રભરના થિયેટર માલિકોને ચેતવણી આપી છે.
કોંગ્રેસ તથા શિવસેના પાર્ટીઓએ પણ એમની રીતે આ વિવાદમાં જોડાઈને નિવેદનો કર્યા છે.
MNCSના પ્રમુખ અમેય ખોપકરે પત્રકારોને કહ્યું કે નવી મરાઠી ફિલ્મો ‘દેવા’ અને ‘ગચ્ચી’ના ભોગે ‘ટાઈગર ઝિંદા હૈ’ ફિલ્મ બતાવવી ન જોઈએ. બંને મરાઠી ફિલ્મોને પણ યોગ્ય પ્રાઈમ ટાઈમ સ્લોટ આપવા જ પડશે.
ખોપકરે કહ્યું કે અમે ‘ટાઈગર ઝિંદા હૈ’ સહિત કોઈ પણ ફિલ્મની રિલીઝની વિરુદ્ધમાં નથી. અમારો વાંધો માત્ર એટલો જ છે કે માત્ર એક જ ફિલ્મ માટે બધા શો શા માટે ફાળવવામાં આવ્યા છે.
MNCS સંસ્થાએ તમામ થિયેટર માલિકોને પત્ર મોકલ્યા છે અને એવી માગણી કરી છે કે મરાઠી ફિલ્મો માટે યોગ્ય પ્રાઈમ ટાઈમ સ્લોટ્સ ફાળવવામાં નહીં આવે તો સલમાન ખાનની ફિલ્મ સામે તે આંદોલન કરશે.
મુંબઈ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરુપમ ‘ટાઈગર ઝિંદા હૈ’ ફિલ્મની તરફેણમાં છે, પણ એમની જ પાર્ટીના વિધાનસભ્ય નિતેશ રાણે મરાઠી ફિલ્મ ઉદ્યોગની બાજુ લીધી છે. શિવસેનાએ પણ આ મામલે મરાઠી ફિલ્મોની તરફેણ કરી છે.
શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું કે મરાઠી ફિલ્મ નિર્માતાઓની હાલત ફેરિયાઓ જેવી છે તેથી એમની ફિલ્મોને રિલીઝ કરતી વખતે એમની સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ.
‘ટાઈગર ઝિંદા હૈ’ ફિલ્મ આ વર્ષની અંતિમ ફિલ્મ છે અને ઘણા મહિનાઓ બાદ આવી રહેલી મોટા બજેટવાળી ફિલ્મ છે. એટલે થિયેટર માલિકો તમામ શોમાં એ બતાવવા માગે છે, પણ હવે રાજકીય પક્ષોના વિરોધને કારણે તેઓ વિમાસણ અનુભવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ‘પદ્માવતી’ ફિલ્મ પણ વિવાદમાં સપડાઈ છે અને એ 1 ડિસેમ્બરને બદલે 2018માં રિલીઝ કરવાનું નક્કી કરાયું છે.
મનસે પાર્ટીના નેતા ખોપકરે કહ્યું છે કે યશરાજ ફિલ્મ્સ મુંબઈમાં થિયેટરોમાં મોનોપોલી કરાવે એને અમે સાંખી નહીં લઈએ. એમણે એ ભૂલવું ન જોઈએ કે તેઓ એમની ફિલ્મનું બધું શૂટિંગ મહારાષ્ટ્રમાં જ કરે છે. જો આ મુદ્દો સુમેળપૂર્વક ઉકેલવામાં નહીં આવે તો એમનું શૂટિંગ ખોરવી નાખવાની અમને ફરજ પડશે.
MNCSના સૂત્રોને દાવો છે કે મહારાષ્ટ્રમાં તમામ થિયેટરોમાં લગભગ 95 ટકા શો ‘ટાઈગર ઝિંદા હૈ’ માટે બુક કરી દેવામાં આવ્યા છે. એને કારણે મરાઠી ફિલ્મો માટે વહેલી સવાર કે મોડી રાતના વિકલ્પ જ બાકી રહ્યા છે, જે વખતે બહુ ઓછા લોકો ફિલ્મ જોવા આવે છે.