અભિષેક-ઐશ્વર્યાએ પુત્રી આરાધ્યાનાં સ્કૂલ વાર્ષિક દિન સમારંભમાં હાજરી આપી

મુંબઈ – બચ્ચન પરિવારે ગયા શનિવારે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક દિન સમારંભમાં હાજરી આપી હતી અને પોતાની દીકરી આરાધ્યા તથા અન્ય વિદ્યાર્થીઓનાં સ્ટેજ પરફોર્મન્સને નિહાળી, તાળી પાડીને બિરદાવ્યા હતા.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન એમની પુત્રી આરાધ્યાની સ્કૂલમાં એન્યુઅલ ડે ફંક્શન હોઈ ત્યાં ગયાં હતાં.

પોતાનાં સુપરસ્ટાર માતા-પિતાની જેમ ૬ વર્ષની આરાધ્યાએ પણ સ્ટેજ પર એનું નૃત્ય કૌશલ્ય પેશ કરીને દર્શકોની વાહ-વાહ મેળવી હતી.

આરાધ્યા ગુલાબી રંગનો ઢીંગલી જેવા ડ્રેસમાં સજ્જ થઈ હતી અને એણે સ્ટેજ પર આત્મવિશ્વાસપૂર્વક નૃત્ય કર્યું હતું.

પૌત્રીનાં કાર્યક્રમને જોવા માટે જયા બચ્ચન પણ ગયાં હતાં, પણ દાદા અમિતાભ બચ્ચન હાજર રહી શક્યા નહોતા, કારણ કે તેઓ થાઈલેન્ડમાં ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા.

બીગ બીએ બાદમાં એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકીને આરાધ્યાનાં સ્કૂલ એન્યૂઅલ ડે કાર્યક્રમમાં હાજર ન રહી એનો સ્ટેજ પરફોર્મન્સ જોઈ ન શકવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.

વાર્ષિક દિન સમારંભમાં ઘણાં વિદ્યાર્થીઓનાં માતા-પિતા અને વાલીઓ પણ આવ્યાં હતાં અને પોતાની વચ્ચે અભિષેક અને ઐશ્વર્યાને જોઈને તેઓ ખુશ થયાં હતાં. અભિ-એશે ઘણાયની સાથે સેલ્ફીઓ પણ પડાવી હતી.