મુંબઈ – બોલીવૂડની બિન્ધાસ્ત અભિનેત્રી તરીકે જાણીતી કંગના રણૌતે મુંબઈમાં તેની વિરુદ્ધ ટોળકી જમાવનાર પત્રકારોને જડબાતોડ જવાબ આપતું એક વિડિયો નિવેદન બહાર પાડ્યું છે.
કંગના અને અમુક પત્રકારો વચ્ચેના ઝઘડાનું કારણ છે ગઈ 7 જુલાઈએ મુંબઈમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં કંગનાએ એક પત્રકારની કાઢેલી ઝાટકણી. તે પ્રસંગ હતો કંગના અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ના એક ગીતનાં લોન્ચિંગનો. કંગનાએ તેની આ પૂર્વેની મણિકર્ણિકા ફિલ્મ વિશે પોતાની વિરુદ્ધ એલફેલ લખનાર એક પત્રકાર, જે પત્રકાર પરિષદમાં હાજર હતો, એની ઝાટકણી કાઢી હતી. તે પત્રકારે વળતી દલીલ કરી હતી. એને કારણે પત્રકાર પરિષદ કલુષિત બની હતી. એ પ્રસંગે ફિલ્મની નિર્માત્રી એકતા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવ પણ ઉપસ્થિત હતાં.
‘જજમેન્ટલ હૈ ક્યા’ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થવાની છે.
કંગના અને પત્રકાર વચ્ચેનાં એ ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.
ફિલ્મના નિર્માતાઓએ પત્રકાર પરિષદ વખતે જે કંઈ બન્યું હતું તે બદલ માફી માગી છે, પણ કંગનાએ માફી માગવાની દૂર રહી, પણ એની વિરુદ્ધ ટોળકી બનાવનાર, પોતાનો બહિષ્કાર કરવાની અને એને ધમકી આપનાર પત્રકારોને આડેહાથ લીધા છે. અમુક પત્રકારોએ ભેગા થઈને એન્ટરટેનમેન્ટ જર્નાલિસ્ટ્સ ગિલ્ડ નામના એક સંગઠનની રાતોરાત રચના કરી છે અને કંગનાનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે.
કંગનાએ એની બહેન રંગોલી ચંદેલનાં ટ્વિટર એકાઉન્ટ મારફત એક વિડિયો નિવેદન રિલીઝ કર્યું છે. એમાં તેણે કહ્યું કે પત્રકારોમાં કેટલાક સારા પણ હોય છે અને કેટલાક ખરાબ પણ હોય છે. ખરાબ પત્રકારો ધર્મના નામે નિયમિત રીતે આપણા દેશનું નામ બદનામ કરે છે. આવા કથિત પત્રકારોને પેનલ્ટી ફટકારવી જોઈએ એવી માગણી કંગનાએ કરી છે.
જુઓ કંગનાનું વિડિયો નિવેદન…
httpss://twitter.com/Rangoli_A/status/1149150022698590208
httpss://twitter.com/Rangoli_A/status/1149154836077674497