રામ કપૂર થયા પાતળા… તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ

0
3803

મુંબઈ – ‘બડે અચ્છે લગતે હૈં’, ‘કસમ સે’ જેવી હિન્દી ટીવી સિરિયલોના જાણીતા અભિનેતા રામ કપૂર ટીવીના પડદા પર અને મોટા રૂપેરી પડદા ઉપર પણ શરીરે જાડિયા જ જોવા મળ્યા છે, પણ એ હવે ઘણા પાતળા થઈ ગયા છે. એમનું આ શારીરિક પરિવર્તન ઘણાય મેદસ્વી લોકો માટે પ્રેરણા પૂરું પાડી શકે છે.

‘ઉડાન’, ‘હમશકલ્સ’, ‘લવયાત્રી’ જેવી ફિલ્મોમાં પણ ચમકેલા 45-વર્ષીય રામ કપૂરે એમના શરીરનું વજન ઉતારીને સોશિયલ મિડિયા પર શેર કરેલી તસવીરો આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ છે.

રામ કપૂરે એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એમની બે પ્રકારની તસવીરો અપલોડ કરી છે. પહેલાના ગોટમટોળ શરીરની અને હવે પાતળા કદની. કપૂર એકદમ બદલાઈ ગયેલા દેખાય છે. કોઈકે તો એવી પણ કમેન્ટ કરી છે કે રામ કપૂરને ઓળખવા મુશ્કેલ છે.

અહેવાલો અનુસાર, રામ કપૂરે યોગ્ય માર્ગદર્શન હેઠળ કલાકો સુધી ઉપવાસ પર રહીને 30 કિલો વજન ઘટાડી દીધું છે. એમણે કહ્યું છે કે પોતાના 45મા જન્મદિવસ બાદ શરીરનું વજન ઘટાડી દેવાનો એમણે દ્રઢનિશ્ચય કર્યો હતો. એ માટે એમણે કામમાં બ્રેક લીધો હતો. દરરોજ બે કલાક વ્યાયામ કર્યો હતો, આહાર પર અંકુશ રાખ્યો હતો.