‘લાલ સલામ’માં રજનીકાંત મુંબઈના ડોન ‘મોઈદ્દીન ભાઈ’ની ભૂમિકામાં

મુંબઈઃ આગામી તામિલ ફિલ્મ ‘લાલ સલામ’ના નિર્માતાઓએ આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે. એમાં દક્ષિણી સુપરસ્ટાર રજનીકાંત મુંબઈના ‘ડોન’ મોઈદ્દીન ભાઈની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સંભાળે છે. ફિલ્મમાં રજનીકાંત મહેમાન કલાકાર તરીકે ચમકશે. જ્યારે મુખ્ય કલાકારો છેઃ વિષ્ણુ વિશાલ, સેન્થિલ, ટાઈગર થાંગાદુરાઈ, થામ્બી રામૈયા, વિક્રાંત, જિવીતા. આ ફિલ્મ ક્રિકેટના વિષય પર આધારિત છે. પોસ્ટરમાં મોઈદ્દીન ભાઈ બનેલા રજનીકાંત શેરવાની અને પાયજામામાં, વધારેલી દાઢી, આંખો પર કાળા ચશ્મા અને માથા પર લાલ રંગની ટોપી સાથે સ્ટાઈલિશ લુકમાં દેખાય છે. પોસ્ટરમાં અમુક સમાચારોના કટિંગ્સ પણ દેખાય છે, જેની પર મુંબઈના કોમી રમખાણોના સમાચાર લખેલા છે. ફિલ્મનું શૂટિંગ આજથી મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે.

ઐશ્વર્યા રજનીકાંત તામિલનાડુની બહારના અમુક સ્થળોએ ફિલ્મનું શૂટિંગ કરાવશે. ફિલ્મમાં સંગીત એ.આર. રેહમાનનું છે. ફિલ્મ આ જ વર્ષના અંતભાગમાં રિલીઝ થાય એવી ધારણા રખાય છે.

28 વર્ષ પહેલાં રજનીકાંતે ‘બાશ્શા’ (બાદશાહ) ફિલ્મમાં મુંબઈના ડોનની ભૂમિકા કરી હતી. આમ, હવે તેઓ ફરી એવી જ ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે.