શ્રીનગરઃ દેશભરમાં જેણે લાગણીનું ઘોડાપૂર લાવ્યું છે તે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ હિન્દી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની એક મુસ્લિમ ધર્મગુરુએ હાકલ કરી છે. ‘ઈન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, જમ્મુ અને કશ્મીરના રાજૌરી જિલ્લામાં આવેલી જામિયા મસ્જિદના મૌલવી ફારુકે મસ્જિદની અંદર એકત્ર થયેલાઓને કરેલા સંબોધનમાં એવો દાવો કર્યો હતો કે, ‘આ ફિલ્મમાં કશ્મીરી મુસ્લિમોએ ભોગવેલી પીડા અને યાતનાની અવગણના કરવામાં આવી છે. ફિલ્મ વિભાજનકારી છે અને મુસ્લિમોને ‘દાનવ’ તરીકે બતાવવામાં આવ્યા છે. અમે ફિલ્મના નિર્માતાઓને વખોડી કાઢીએ છીએ. શું એ લોકોને મુસ્લિમોની પીડા દેખાઈ નહીં? તેઓ માત્ર પંડિતો પર જ શા માટે ફોકસ કરી રહ્યા છે? 32 વર્ષ બાદ એમને માત્ર કશ્મીરી પંડિતોનું જ લોહી દેખાયું. આટલા વર્ષોમાં ઘણા મુસ્લિમો પણ માર્યા ગયા છે, મહિલાઓ વિધવા થઈ છે, ઘરો નાશ પામ્યા છે. આપણે (મુસ્લિમોએ) આ દેશમાં 800 વર્ષ સુધી રાજ કર્યું છે. હિન્દુઓ તો માત્ર 70 વર્ષ પહેલા જ સત્તા પર આવ્યા હતા. તમે અમને કે અમારી ઓળખને નાબૂદ કરી શકો નહીં. આ ફિલ્મ મુસ્લિમો સામેનું એક ષડયંત્ર છે. અમે આને સાંખી નહીં લઈએ. હિન્દુઓ અને મુસ્લિમોને ઝઘડાવીને રાજકારણ રમવા ઈચ્છતા લોકોને શરમ આવવી જોઈએ.’
બીજી બાજુ, ભારતના પ્રથમ (1990-1993) ચીફ ઈન્ફોર્મેશન કમિશનર વજાહત હબીબુલ્લાહે ફિલ્મની તરફેણ કરી છે અને કહ્યું છે કે કશ્મીરી પંડિતોને ન્યાય મળે એ માટે એક સમિતિની રચના કરાવી જોઈએ. પંડિતોને એમની ભૂમિ પરથી હિજરત કરવી પડી એને ત્રણ દાયકાથી પણ વધારે સમય વીતી ગયો છે. જો એ સમિતિ રચવામાં આવે તો એની સમક્ષ સાક્ષીદાર તરીકે હાજર થવાનું મને ગમશે.