ઓસ્કર-2022: ‘કોડા’ બેસ્ટ ફિલ્મ ઘોષિત

લોસ એન્જેલીસઃ કેલિફોર્નિયાના લોસ એન્જેલીસના ડોલ્બી થિયેટરમાં રવિવાર, 27 માર્ચની રાતે યોજાઈ ગયેલા 94મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર એવોર્ડ્સ) સમારંભમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ‘કોડા’ (CODA)ને ફાળે ગયો છે. આ કેટેગરીમાં અન્ય ફિલ્મો હતીઃ બેલફાસ્ટ, ડોન્ટ લૂક અપ, ડ્રાઈવ માઈ કાર, ડૂન, કિંગ રિચર્ડ, વેસ્ટ સાઈડ સ્ટોરી, નાઈટમેર એલી, ધ પાવર ઓફ ધ ડોગ, લિકોરાઈસ પિઝા.

વિલ સ્મિથને ‘કિંગ રિચર્ડ’ ફિલ્મમાં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતા ઘોષિત કરવામાં આવ્યા છે. વિલ સ્મિથનો આ પહેલો જ ઓસ્કર એવોર્ડ છે. ફિલ્મમાં એમણે મહાન ટેનિસ ખેલાડી બહેનો – વિનસ અને સેરેના વિલિયમ્સનાં પિતા રિચર્ડ વિલિયમ્સની ભૂમિકા ભજવી છે.

જેસીકા ચેસ્ટેને ‘ધ આઈઝ ઓફ ટેમી ફાઈ’ ફિલ્મમાં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે. તેની સામે આ એવોર્ડ માટેની હરીફાઈમાં પેનીલોપ ક્રૂઝ, ઓલિવિયા કોલમન, નિકોલ કિડમન, ક્રિસ્ટેન સ્ટીવર્ટ અભિનેત્રીઓ હતી.

શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ 67 વર્ષીય મહિલા ડાયરેક્ટર જેન કેમ્પિયને જીત્યો છે – ‘ધ પાવર ઓફ ધ ડોગ’ ફિલ્મના નિર્માણ માટે. શ્રેષ્ઠ દિગ્દર્શકના એવોર્ડ માટે બે નોમિનેટ થનાર જેન કેમ્પિયન પ્રથમ મહિલા બન્યાં છે.

શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે ટ્રોય કોત્સૂરને પસંદ કરવામાં આવ્યા છે – ‘કોડા’ ફિલ્મના અભિનય માટે. એરિયાના ડીબોઝને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે – ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ ફિલ્મના અભિનય માટે.