‘આદિપુરુષ’માં કૃતિની એન્ટ્રી; સીતાનો રોલ કરશે

નવી દિલ્હીઃ ઓમ રાઉતની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ના કાસ્ટિંગને લઈ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને સૈફ અલી ખાન સાથે આવી રહ્યા છે. ઓમ રાઉતની આ મેગા બજેટ ફિલ્મમાં વિકી કૌશલને પણ કાસ્ટ કરવામાં આવ્યો છે. હવે ફિલ્મની હિરોઇનને લઈને ખુલાસો થઈ ચૂક્યો છે.

બાહુબલી એક્ટર પ્રભાસની સામે આ ફિલ્મમાં કૃતિ સેનનને કાસ્ટ કરવામાં આવી છે. આ બાબતની માહિતી ખુદ કૃતિ સેનને ટ્વીટ કરીને આપી હતી. એક્ટ્રેસે ફિલ્મના સ્ટાર કાસ્ટના બે ફોટો શેર કર્યા છે અને ‘આદિપુરુષ’ના હિસ્સો બનવા પર આનંદ વ્યક્ત કર્યો છે. કૃતિ સેનન આ ફિલ્મમાં સીતાની ભૂમિકા ભજવવાની છે.

વિકી પ્રભાસનો બહુ મોટો ફેન છે અને તે તેની સાથે સ્ક્રીન શેર કરવા બહુ એક્સાઇટેડ છે. તેણે ‘બાહુબલી’ અનેક વાર જોઈ છે.

આ ફિલ્મમાં ઓમ રાઉતે શ્રીરામની ભૂમિકા માટે પ્રભાસને અને રાવણની ભૂમિકા માટે સૈફ અલી ખાનની પસંદગી કરી છે. બીજા એવા પણ અહેવાલ વહેતા થયા છે કે અજય દેવગન આ ફિલ્મમાં શિવની ભૂમિકામાં દેખાશે. જોકે આ એક અટકળ પણ હોઈ શકે છે.

આદિપુરુષમાં સૈફ અલ ખાન મજબૂત ભૂમિકામાં નજરે ચઢશે. કેટલાક દિવસો પહેલાં સૈફનો લુક જાહેર કરતાં ઓમ રાઉતે લખ્યું હતું કે 700 વર્ષ પહેલાં વિશ્વના સૌથી બુદ્ધિમાન રાક્ષસનું અસ્તિત્વ હતું. સૈફ અલી ખાન ‘આદિપુરુષ’ પહેલાં પણ વિલનની ભૂમિકા નિભાવી ચૂક્યો છે.