મુંબઈઃ પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર આદિપુરુષ વિવાદોમાં ઘેરાયેલી છે. હિન્દુ સેનાએ હાલમાં જ દિલ્હીની હાઇકોર્ટમાં ફિલ્મની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. એ અરજીમાં ફિલ્મના કેટલાય સીન, ડાયલોગ્સ અને પાત્રોને દૂર કરવાની માગ કરવામાં આવી છે. આ ફિલ્મના ડિરેક્શન અને ડાયલોગ્સ-બંનેની ચોમેરથી ટીકાઓ થઈ રહી છે. આ ફિલ્મના ડાયલોગ્સથી નારાજ અયોધ્યાના સંતોએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. આ બીજી વખત સાધુ-સંતોએ ફિલ્મની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ પહેલાં ફિલ્મના ટીઝરમાં દેખાતી વિકૃતિને લઈને તેમણે વાંધો ઉઠાવ્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે આ ફિલ્મમાં રામાયણનાં પાત્રોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાં છે અને હિન્દુ દેવી-દેવતાઓને વિકૃત દર્શાવવામાં આવ્યાં છે. રામ જન્મભૂમિના પ્રમુખ પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે પહેલાંના વિરોધ છતાં ફિલ્મનિર્માતાઓએ રામાયણનાં પાત્રોને ખોટી રીતે રજૂ કર્યાં છે. આ ફિલ્મના ડાયલોગ્સ શરમજનક છે અને આ ફિલ્મ પર તત્કાળ પ્રતિબંધ મૂકવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
દેવી-દેવતાઓને ખોટી રીતે બતાવ્યાઃ રાજુ દાસ
ભગવાન રામ, હનુમાનજી અને રાવણને સંપૂર્ણ રીતે અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે. અયોધ્યાના પ્રસિદ્ધ હનુમાન ગઢી મંદિરના પૂજારી રાજુ દાસે પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે બોલીવૂડ હિન્દુ ધર્મને વિકૃત કરવાના પ્રયાસ કરી રહ્યો છે. આ ફિલ્મના નિર્માતાઓને હિન્દુ ભાવનાઓની કોઈ ચિંતા નથી. અયોધ્યામાં સંતોની સૌથી શક્તિશાળી સંસ્થા મણિરામ દાસ છાવણી પીઠે પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગને ટેકો આપ્યો હતો.
આ ફિલ્મે તમામ વિવાદોની વચ્ચે બોક્સ ઓફિસ પર ત્રણ દિવસમાં રૂ. 300 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મના નિર્માતાઓએ હાલમાં જ ફિલ્મના વિવાદિત ડાયલોગ્સ બદલવાની જાહેરાત કરી હતી.