મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી) ટીવી શોની 15મી આવૃત્તિનું સમાપન થઈ ગયું છે. કેબીસીની 15મી સીઝનનો આખરી એપિસોડ ગઈ 29 ડિસેમ્બરે થયો. સૂત્ર-સંચાલક અમિતાભ શોમાંથી વિદાય લેવાની જાહેરાત કરતાં ભાવૂક થઈ ગયા હતા. એમણે કહ્યું હતું, ‘દેવી અને સજ્જનો… હવે હું જાઉં છું. આવતીકાલથી આ મંચ શણગાર સજશે નહીં. હું અમિતાભ બચ્ચન આ સીઝન માટે, આ મંચ પરથી આખરી વાર કહું છું – શુભ રાત્રી.’ અને એ બોલીને એમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
શોનું પ્રસારણ કરનાર ટીવી ચેનલ સોનીએ આ એપિસોડનો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.
અમિતાભ સંચાલિત ‘કૌન બનેગા કરોડપતિ’ શો ટીવી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયો છે. આ શોમાં સ્પર્ધકોને એમની બુદ્ધિપ્રતિભાના જોરે લાખો-કરોડો રૂપિયા ઈનામમાં જીતવાની તક મળતી હતી. કેબીસી-15 શો 2023ની 15 એપ્રિલથી શરૂ થયો હતો. 29 ડિસેમ્બરે એનો આખરી શો પ્રસારિત કરાયો હતો. ‘કૌન બનેગા કરોડપતિ’ શોનો આરંભ 2000ની સાલમાં થયો હતો. અમિતાભ ત્યારથી એનું સંચાલન કરતા આવ્યા છે. માત્ર એક જ વાર, 2007ના વર્ષમાં શાહરૂખ ખાને તે શોનું સંચાલન કર્યું હતું.