ચંડીગઢઃ હરનાઝ સંધુએ 21 વર્ષ પછી મિસ યુનિવર્સનો તાજ ભારતને નામે કર્યો છે. હરનાઝ સંધુ પંજાબના મોહલીની રહેવાસી છે. તેની માતા રવિન્દર કૌર ડોક્ટર છે. મિસ યુનિવર્સ 2021નો તાજ જીતીને હરનાઝ સંધુએ દેશનું ગૌરવ વધાર્યું છે. તે સ્કૂલ પૂરી કર્યા પછી ચંડીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ગવર્નમેન્ટ કોલેજ ફોર ગર્લ્સ, સેક્ટર-22માં ઉચ્ચ અભ્યાસ માટે ગઈ હતી. તેની જીતના સમાચારે તેની કોલેજના પ્રિન્સિપાલ, શિક્ષકોની સાથે-સાથે વિદ્યાર્થીઓમાં આનંદ વ્યાપી ગયો છે અને તેમણે ગર્વ અનુભવ્યો છે. તેમણે તેમની ખુશી કોલેજના પ્રાંગણમાં એકસાથે ડાન્સ કરીને ઊજવી હતી.
GCG 42ની પ્રિન્સિપાલ પ્રોફેસર નિશા અગ્રવાલે જણાવ્યું હતું કે તેમને હરનાઝ પર બહુ ગર્વ છે. તે MA પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વિદ્યાર્થી છે અને તેણે આ કોલેજમાંથી BA IT કર્યું છે. તે ઇમાનદાર, આજ્ઞાકારી, રિસ્પેક્ટફુલ અને આકરી મહેનત કરનારી વિદ્યાર્થી છે, એમ તેમણે કહ્યું હતું.
તે મિસ ઇન્ડિયા બનવા ઇચ્છતી હતી અને તેણે એ હાંસલ કર્યું હતું. તેણે મિસ વર્લ્ડમાં ભાગ લીધો હતો અને અંતિમ 10માં પસંદગી પામી હતી. એ પછી તેણે મિ ઇન્ડિયા યુનિવર્સમાં ભાગ લીધો હતો અને તે જીતી ગઈ હતી. હવે તેણે મિસ યુનિવર્સનો તાજ પહેરાવાયો છે. કોલેજને તેના પર બહુ ગર્વ છે. તેણે ભારતને જ નહીં, પણ ચંડીગઢની સાથે-સાથે કોલેજને ગૌરવ અપાવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
હરનાઝે સાબિત કર્યું છે કે સિનિયર્સ અમારા રોલ મોડેલ રૂપમાં કામ કરે છે. અમે તેમની પાસે ઘણુંબધું શીખ્યું છે, એમ એક વિદ્યાર્થી દીપાંશી ઠાકુરે કહ્યું હતું.