મુંબઈ – અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગયા અઠવાડિયે રિલીઝ થયેલી વિવાદાસ્પદ હિન્દી ફિલ્મ ‘પદ્માવત’ ફિલ્મની ટીકા કરી છે. એણે કહ્યું છે કે આ ફિલ્મ સતી અને જૌહરની પ્રતિબંધિત પ્રથાને ઉત્તેજન આપે છે. એની આ કમેન્ટને પગલે સેલિબ્રિટી વ્યક્તિઓ વચ્ચે ટ્વિટર ઉપર શાબ્દિક ટપાટપી થઈ છે.
સુચિત્રા કૃષ્ણમૂર્તિએ સ્વરાને આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે તો તિલોતમા શોમ નામની એક અન્ય અભિનેત્રી સ્વરાની તરફેણમાં ઉતરી છે.
સ્વરાએ એક લાંબી લખેલી પોસ્ટમાં ‘પદ્માવત’ ફિલ્મની આકરી ટીકા કરી હતી. એણે લખ્યું હતું કે ‘પદ્માવત’ ફિલ્મ જોયા બાદ હું સ્વયંને માત્ર યોનિ પૂરતી સીમિત હોવાનું મહેસુસ કરી રહી છું. આ ફિલ્મે એવો સવાલ ઉઠાવ્યો છે કે વિધવા, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી, વૃદ્ધા, ગર્ભવતી કે કિશોરીઓને જીવવાનો અધિકાર છે કે નહીં. સ્વરાએ ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીને લખેલા એક ખુલ્લા પત્રમાં સતી તથા જૌહર જેવા આત્મવિલોપનના રિવાજોની સખત શબ્દોમાં ટીકા કરી છે.
ગાયિકા અને ભૂતપૂર્વ અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ સ્વરાની ટીકા કરતાં એવો સવાલ કર્યો છે કે આવી નારીવાદીઓ પદ્માવત વિશે ટીકા કરે છે એ શું અજ્ઞાની નથી? આ ફિલ્મમાં જૌહરને ઉત્તેજન આપતી સ્ત્રીઓ વિશેની વાર્તા નથી. આની કરતાં કોઈ બીજો વિષય શોધો, જેમાં ઈતિહાસને લગતી વાતો ન હોય.
સુચિત્રાએ એક બીજી પોસ્ટમાં એવું લખ્યું છે કે, જે અભિનેત્રી કામુક ડાન્સર અને વેશ્યાનો રોલ કરી શકે એ કોઈ પવિત્ર રાણીની વાર્તા જોયા બાદ વજાઈના જેવું મહેસુસ કરે એ હસવા જેવી વાત છે.
સ્વરા ભાસ્કર ‘રાંજણા’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મોમાં ચમકી ચૂકી છે. એની નવી ફિલ્મ આવી રહી છે ‘વીરે દી વેડિંગ’.