ઝીનત અમાને વેપારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી; પરેશાન કરતો હતો, ધમકી આપતો હતો

મુંબઈ – જાણીતાં પીઢ બોલીવૂડ અભિનેત્રી ઝીનત અમાને અહીંના એક વેપારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એમનો આરોપ છે કે તે વેપારી એમને પરેશાન કરે છે, પીછો કરે છે અને એમને ગુનાઈત ધમકી આપે છે.

1970 અને 1980ના દાયકાઓમાં ડોન, સત્યમ શિવમ સુંદરમ, શાલીમાર, કુરબાની જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં ભૂમિકાઓ કરીને જાણીતાં થયેલા ઝીનત અમાને જુહૂ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અમર ખાન નામના વેપારી સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ પોલીસે ભારતીય ફોજદારી ધારાની કલમો 304 (ડી) અને 509 અંતર્ગત નોંધી છે. અમર ખાન છેલ્લા કેટલાક વખતથી ઝીનતનાં પરિચયમાં આવ્યો હતો.

પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. ઝીનત અને ખાન વચ્ચે પ્રોપર્ટીને લગતો કોઈક ઝઘડો છે, જેની પોલીસે વિગત આપી નથી.

અમર ખાન 66 વર્ષીય ઝીનતને એમનાં ફોન પર અશ્લીલ વિડિયો મોકલીને પરેશાન કરવા લાગ્યો અને ધમકી પણ આપવા લાગ્યો ત્યારબાદ ઝીનતે એની સાથે તમામ સંપર્કો તોડી નાખ્યા હતા.

અમર ખાન ગાયબ થઈ ગયો હોવાનું મનાય છે અને પોલીસ એને શોધી રહી છે.