મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. આ કેસ આત્મહત્યાનો છે, પરંતુ સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો કોઈકને શંકા છે કે આ આયોજનપૂર્વકની હત્યા છે. પોલીસ તમામ પાસાં વિશે તપાસ કરી રહી છે.
34 વર્ષનો સુશાંત ગઈ 14 જૂને બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના કાર્ટર રોડ પર માઉન્ટ બ્લાં સોસાયટીના છઠ્ઠા માળ પર આવેલા તેનાં ડુપ્લેક્સ ફ્લેટમાં લટકતી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.
બાન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ કેસમાં અત્યાર સુધીમાં 27 જણની પૂછપરછ કરી ચૂક્યા છે.
સુશાંતના પરિવારજનો અને એનાં પ્રશંસકો એ જાણવા માગે છે કે સુશાંતે કયા કારણે આત્મહત્યા કરી હતી.
મુંબઈ પોલીસના ડીસીપી (ઝોન-9) અભિષેક ત્રિમુખેએ કહ્યું કે અમને સુશાંતના પોસ્ટમોર્ટમનો વિગતવાર અહેવાલ મળી ચૂક્યો છે. ડોક્ટરોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મોતનું કારણ ગળાફાંસો લાગવાથી શ્વાસ રૂંધાઈ જવાનું હતું. અમે દરેક રીતે આત્મહત્યાની તપાસ કરી રહ્યા છીએ.
પોલીસે અત્યાર સુધીમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિ, સુશાંતની આખરી, અનરિલીઝ ફિલ્મ દિલ બેચારાના દિગ્દર્શક મુકેશ છાબડા, સુશાંત સાથે ફ્લેટમાં રહેતા ડિઝાઈનર સિદ્ધાર્થ પિઠાની, મહિલા કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂ શર્મા, સુશાંતની બહેન અને ઘરમાં કામ કરનારાઓની પૂછપરછ કરી છે.
શાનૂ શર્મા યશરાજ ફિલ્મ્સ કંપનીમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. શાનૂએ સુશાંત સાથે ‘શુદ્ધ દેસી રોમાન્સ’ અને ‘ડીટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મને આદિત્ય ચોપરાની આગેવાની હેઠળની યશરાજ ફિલ્મ્સે રિલીઝ કરી હતી.
બોલીવૂડનાં કેટલાક વધુ પ્રોડક્શન હાઉસીસના પ્રતિનિધિઓની પણ પોલીસ પૂછપરછ કરવાની છે.