સુનીલ શેટ્ટીનું શું માનવું છે બોલીવુડમાં પ્રવર્તતી માનસિક તાણની સમસ્યા વિશે?

મુંબઈઃ 57 વર્ષીય નામાંકિત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ અને યુવાન પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અકાળે થયેલા નિધનની ઘટનાઓ વિશે બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીએ ઝાકઝમાળ અને ગ્લેમરથી ભરપૂર ફિલ્મ ઉદ્યોગમાં પ્રવર્તતા માનસિક તાણ અને નિષ્ફળતાના પરિબળો વિશે પોતાના મંતવ્યો જણાવ્યા છે. એક અખબારના આપેલી મુલાકાતમાં શેટ્ટીએ કહ્યું, ‘અત્યંત પ્રતિભાશાળી અને વિનમ્ર સ્વભાવવાળા આર્ટ ડાયરેક્ટરની ખોટ ગઈ છે.

એવું તે શું કારણ હતું જેને કારણે એમને પોતાનું જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભરવું પડ્યું? સારા માનવીઓ પોતાની પાસે રહે એવું ભગવાન હંમેશાં ઈચ્છા હોય છે. શું એમને એવા લોકોની જરૂર રહેતી હશે? મને ખબર નથી… મારી હૃદયપૂર્વકની દિલસોજી છે. સુશાંતસિંહ રાજપૂત અદ્દભુત છોકરો હતો. એણે જીવનમાં ઘણું બધું મેળવ્યું હતું… અને પછી ભગવાને એને આપણી વચ્ચેથી લઈ લીધો. એણે જે કર્યું એ ક્ષણ કેવી હશે? કોઈકની મદદ કરવી જોઈએ. ધારો કે આપણને ખબર પડે કે તે કે તેણી કોઈક માનસિક તાણથી પીડાય છે તો આપણે એને મદદ કરવી જોઈએ. આપણે એની સતત પૃચ્છા કરીને એની કાળજી લેવી જોઈએ.’ બોલીવુડ સેલિબ્રિટીઓ શું સ્ટ્રેસ અને નિષ્ફળતાનો સામનો કરી શકતી નથી? એવો સવાલ પૂછતાં શેટ્ટીએ કહ્યું, ‘એ વાત સાચી નથી. હું પણ બોલીવુડનો જ છું. મેં માનસિક તાણની પરિસ્થિતિનો સરસ રીતે સામનો કર્યો છે. મેં પણ ઘણી નિષ્ફળતાઓ જોઈ છે. આપણે બધાએ સ્ટ્રેસની સમસ્યાનો સામનો કર્યો હશે.’