અજય દેવગનને (તાન્હાજી) શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર

નવી દિલ્હીઃ 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરવામાં આવી છે. આમાં દક્ષિણની ફિલ્મો અનેક પુરસ્કારો જીતીને છવાઈ ગઈ છે. ભારતની સસ્તા ભાડામાં પ્રવાસ કરાવનાર પ્રથમ એરલાઈનના સ્થાપક કેપ્ટન જી.આર. ગોપીનાથના જીવન પર આધારિત તામિલ ફિલ્મ ‘સૂરારાઈ પોટ્રુ’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ સહિત પાંચ એવોર્ડ મળ્યા છે. આ જ ફિલ્મમાં કરેલા અભિનય બદલ સૂર્યાને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિઅર’ માટે અજય દેવગનને પણ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

તામિલ ફિલ્મ ‘સૂરારાઈ પોટ્રુ’નો અભિનેતા સૂર્યા અને ‘તાન્હાજી’ ફિલ્મનો અભિનેતા અજય દેવગન

બોલીવુડ નિર્માતા-દિગ્દર્શક વિપુલ શાહના અધ્યક્ષપદ હેઠળ 10-સભ્યોની જ્યુરીએ આ વર્ષના ફિલ્મ પુરસ્કારોની પસંદગી કરી છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ ‘સૂરારાઈ પોટ્રુ’ની અપર્ણા બાલમુરલીને આપવામાં આવ્યો છે. આ જ ફિલ્મે શ્રેષ્ઠ પટકથા (શાલિની ઉષા નાયર અને સુધા કોન્ગારા)નો એવોર્ડ પણ જીત્યો છે. ‘તાન્હાજી’ ફિલ્મે સંપૂર્ણ મનોરંજન પૂરું પાડનાર બેસ્ટ પોપ્યૂલર ફિલ્મ તરીકેનો એવોર્ડ પણ જીત્યો છે. ‘સૂરારાઈ પોટ્રુ’ની હવે હિન્દી રીમેક પણ બનાવવામાં આવી રહી છે.

શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મનોજ મુંતશિર (સાઈના હિન્દી ફિલ્મ), શ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો એવોર્ડ સંધ્યા રાજૂ (નાટ્યમ તેલુગુ ફિલ્મ), શ્રેષ્ઠ ગાયક રાહુલ દેશપાંડે (મી વસંતરાવ), શ્રેષ્ઠ ગાયિકા નચમ્મા (એ.કે. અયપ્પન કોશિયમ), શ્રેષ્ઠ સહાયક અભિનેતા બિજુ મેનન (એ.કે. અયપ્પન કોશિયમ), શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી, શ્રેષ્ઠ દિગ્દર્શક સચ્ચીદાનંદ કે.આર. (એ.કે. અયપ્પન કોશિયમ), શ્રેષ્ઠ સંગીતકાર થમન એસ.ને આપવામાં આવ્યો છે.