સાઉથની મોટા બજેટની છ ફિલ્મો આપશે બોલીવૂડને પડકાર

નવી દિલ્હીઃ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હાલમાં દિવસોમાં ઘણી હિટ ફિલ્મો આવી છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને આવનારી ફિલ્મો ધમાલ માચાવવા તૈયાર છે. હવે નજીકના ભવિષ્યમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આવી રહી છે. આ ઉપરાંત દક્ષિણની છ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે એવી શક્યતા છે અને આ ફિલ્મો પર રૂ. 2135 કરોડ દાવ પર લાગ્યા છે.  આ ફિલ્મોના ટીઝર જોઈને ફેન્સ ઘણા એક્સાઇટેડ છે.

કાંતારા એ લીજેન્ડ ચેપ્ટર 1

સાઉથની ફિલ્મ ‘કાંતારા’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને હવે ‘કાંતારા એ લીજેન્ડ ચેપ્ટર 1’નું ટીઝર મેકર્સે બહાર પાડ્યું છે. જે જોઈને લોકોમાં એક્સાઇટમેન્ટ છે. ‘કાંતારા’ રૂ. 15 કરોડમાં બની હતી અને 50 દિવસો સુધી થિયેટરોમાં લાગેલી હતી. આ ફિલ્મે રૂ. 400 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે આ ફિલ્મનો બીજો ભાગ રૂ. 125 કરોડમાં બન્યો છે અને દર્શકો આ ફિલ્મને જોવા ઉત્સાહિત છે.

પુષ્પાઃ ધ રૂલ

ફિલ્મદર્શકો ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી અને હવે બીજો ભાગ બની રહ્યો છે, જેનું બજેટ રૂ. 500 કરોડ છે, જ્યારે પહેલો ભાગ માત્ર રૂ. 60 કરોડમાં બની હતી.

કલ્કિ 289 AD

પ્રભાસની આગામી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ને અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું બજેટ રૂ. 700 કરોડ છે અને ફિલ્મમાં પ્રભાસ ફરી ભગવાનની ભૂમિકામાં દેખાશે. પ્રભાસ ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારમાં દેખાશે. આ ફિલ્મમાં અન્ય કલાકારો અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન પણ છે.

સાલાર

પ્રભાસની જ બીજી ફિલ્મ ‘સાલાર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રૂ. 400 કરોડના ખર્ચે બની રહી છે અને આ ફિલ્મમાં તેની સાથે શ્રુતિ હસન પણ છે. આ ફિલ્મ તેલુગુ અને કન્નડ ભાષામાં શૂટ થઈ છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ પણ છે.

કેપ્ટન મિલર

ધનુષ અને શિવા રાજકુમાર સ્ટારર ‘કેપ્ટન મિલર’ રિલીઝ માટે તૈયાર ફિલ્મ છે. જે 15 ડિસેમ્બરની આસપાસ રિલીઝ થશે. આ ફિલ્મ રૂ. 60 કરોડમાં બની છે. ધનુષ આ ફિલ્મમાં કેપ્ટન મિલરની ભૂમિકામાં છે.

કંગુવા

ફેન્સ સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’ને લઈને ભારે ઉત્સાહિત છે. આ ફિલ્મમાં દિશા પટ્ટણી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પણ રૂ. 350 કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે.