‘શેરશાહ’ ફિલ્મ જોઈને શહીદ-વિક્રમ-બત્રાનાં પરિવારજનો રડી પડ્યાં

મુંબઈઃ 1999ના મે-જુલાઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કશ્મીરના કારગિલ જિલ્લામાં અને બંને દેશ વચ્ચેની નિયંત્રણ રેખા નજીકના સ્થળે થયેલા યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય લશ્કરી જવાન કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર બનેલી હિન્દી ફિલ્મ ‘શેરશાહ’ આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મને ઘણા પોઝિટીવ રીવ્યૂ મળ્યા છે. નિર્માતાઓએ શહીદ વિક્રમ બત્રાનાં પરિવારજનો તથા મિત્રો માટે આ ફિલ્મનો પ્રીમિયર શો રાખ્યો હતો. ફિલ્મ જોઈને ઘણાં લોકો રડી પડ્યાં હતાં. પરિવારજનોએ પણ આ ફિલ્મ વિશે પ્રત્યાઘાત આપ્યાં છે. વિક્રમના માતા-પિતાએ કહ્યું કે, ‘અમને જે કંઈ પણ માહિતી હતી એ બધી જ આ ફિલ્મમાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ બહુ જ સરસ રીતે વિક્રમની ભૂમિકા ભજવી છે. ફિલ્મ જોતી વખતે અમને એવું લાગ્યું હતું કે જાણે અમે કોઈ જીવંત નાટક જોઈ રહ્યાં છીએ.’ વિક્રમ સાથે કારગિલ યુદ્ધમાં લડી ચૂકેલા એમના સાથી જવાન રાજેશ પણ ફિલ્મ જોડીને ભાવુક બની ગયા હતા. એમણે કહ્યું કે, ‘અમે સાથે મળીને લડાઈ લડી હતી. મેં વિક્રમને લડતા જોયો છે. ફિલ્મ પણ બહુ જ સરસ બનાવાઈ છે.’ ફિલ્મના વિશેષ શો વખતે શહીદ વિક્રમના પિતા ગિરધારીલાલ બત્રા, માતા કમલકાંતા બત્રા, સ્વ. વિક્રમના જોડિયા ભાઈ વિશાલ, લશ્કરી વડા જનરલ મનોજ નરવણે, નાયબ લશ્કરી વડા લેફ્ટેનન્ટ જનરલ સી.પી. મોહંતી સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

નિર્માતા કરણ જોહરે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. સિદ્ધાર્થ ઉપરાંત આ ફિલ્મમાં કિયારા અડવાનીની પણ મહત્ત્વની ભૂમિકા છે. ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ કારગિલ યુદ્ધનો ઉલ્લેખ કરનાર અન્ય ફિલ્મોથી અલગ એ રીતે છે કે આ એક શહીદની અસલી બહાદુરી પર કેન્દ્રિત છે. આપણા જવાનોએ ધરતીથી 16-18 હજાર ફૂટ ઊંચાઈ પર કાતિલ ઠંડી અને બરફાચ્છાદિત પહાડો પર ચડીને-આગળ વધીને દુશ્મન પાકિસ્તાની ફોજને પરાજય આપ્યો હતો.