આમિરે મદદ કરી હોત તો ભાઈ જીવતો હોતઃ અનુરાગ

મુંબઈઃ દિવંગત ટીવી એક્ટર અનુપમ શ્યામના ભાઈએ આમિર ખાન પર બહુ મોટો આક્ષપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે સુપરસ્ટાર આમિર ખાને અનુપમ શ્યામ જ્યારે હોસ્પિટલમાં હતા, ત્યારે મને મદદ કરવાનું વચન આપ્યું હતું, પણ એ પછી અનેક કોલ કરવા છતાં તેમણે ફોન જ નહોતો ઉપાડ્યો. અનુપમ શ્યામના ભાઈ અનુરાગે કહ્યું હતું કે આમિરે તેમને લોન આપવાની વાત કરી હતી, પણ પછી તેમણે ફોન ઉઠાવવાનું બંધ કર્યું હતું.

અનુપમ શ્યામે આમિર ખાન સાથે ‘લગાન’ અને ‘મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ’માં કામ કર્યું હતું. તેમનું તાજેતરમાં વિવિધ અંગોના ફેઇલ્યોર થવાથી નિધન થયું હતું. અનુપમના ભાઈ અનુરાગે આમિરને મટીરિયાલિસ્ટિક (ભૌતિકવાદી) કહ્યો હતો અને કહ્યું હતું કે જો આમિરે તેનું વચન નિભાવ્યું હોત તો તેનો ભાઈ જીવતો હોત.

તેમણે કહ્યું હતું કે આ મોટા લોકો મોટી બ્રાન્ડ માનવામાં આવે છે. તેઓ લોકોની મદદ કેમ નથી કરી રહ્યા? શું લઈને આવ્યા છે અને શું લઈને જઈશું? તમે તમારી સાથે સંપત્તિ લઈને નહીં જઈ શકો. શું કામ આપણે આપણા લોકોની મદદ નથી કરતા? સરકાર પાસે મદદની ભીખ માગીએ છીએ? કોરોના કાળમાં અનેક કલાકાર, કોરિયોગ્રાફર અને ટેક્નિશિયન્સને આર્થિક નાણાભીડ પડી રહી છે.

આમિર ખાને અનુપમ શ્યામને ડાયાલિસિસની મદદ માટે આશ્વાસન આપ્યું હતું, પણ તે પછી ફરી ગયો હતો, એવો દાવો તેમણે કર્યો હતો. ટીવી અને બોલીવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ શ્યામ ઓઝાનું રવિવારે નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાય દિવસોથી મુંબઈની લાઇફલાઇન હોસ્પિટલમાં દાખલ હતા. તેમનાં શરીરનાં કેટલાંક અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું. તેઓ કિડનીની કેટલીક ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા હતા.