સંજય કપૂરની દીકરી શનાયાની ‘બેધડક’ સાથે બોલીવુડમાં-એન્ટ્રી

મુંબઈઃ ‘રાજા’, ‘બેકાબૂ’, ‘ઔઝાર’, ‘મેરે સપનોં કી રાની’, ‘સિર્ફ તુમ’, ‘ઝમીર’ જેવી ફિલ્મોના અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા બોલીવુડમાં પ્રવેશ કરી રહી છે. એની કારકિર્દીની પહેલી ફિલ્મ છે ‘બેધડક’. આ ફિલ્મ બે યુવા અભિનેતાઓની પણ પહેલી જ ફિલ્મ હશે – ગુરફતેહ પિરઝાદા અને લક્ષ્ય. નિર્માતા ધર્મા પ્રોડક્શન્સ કંપનીએ દિગ્દર્શક શશાંક ખૈતાન દિગ્દર્શિત આ ફિલ્મનું ફર્સ્ટ-લુક પોસ્ટર આજે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રિલીઝ કર્યું છે. શનાયાએ આ પોસ્ટરને પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે અને લખ્યું છે કે, ‘શશાંક ખૈતાન દિગ્દર્શિત ‘બેધડક’ સાથે ધર્મા ફેમિલી સાથે જોડાવા બદલ હું ખૂબ જ આભારી અને વિનમ્ર છું. હું મારી સફર શરૂ કરવા આતુર છું. મારે તમારાં સૌનાં આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.’

નિર્માતા-દિગ્દર્શક બોની કપૂર અને અભિનેતા અનિલ કપૂરના નાના ભાઈ સંજય અને તેની પત્ની મહિપ સંધુ-કપૂરને એક દીકરો પણ છે – જહાન.