મુંબઈઃ જેઓ માનવ-કમ્પ્યુટર તરીકે વિશ્વભરમાં ખ્યાતનામ થયેલાં મહાન ગણિતજ્ઞ શકુંતલા દેવીનાં જીવન પર આધારિત બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘શકુંતલા દેવી’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિદ્યા બાલને શકુંતલા દેવીનો રોલ અદા કર્યો છે.
આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પર આવતી 31 જુલાઈએ સ્ટ્રીમ થશે.
ટ્રેલરમાં જોઈ શકાય છે કે વિદ્યાએ શકુંતલા દેવીની ભૂમિકા અત્યંત સહજતાથી અને એકદમ પરફેક્શન સાથે નિભાવી છે.
ઈન્ટરનેટ પર ટ્રેલર અને વિદ્યા બાલનની વાહ-વાહ થઈ રહી છે.
ટ્રેલર અત્યંત પ્રભાવશાળી અને નાટ્યાત્મક્તાથી ભરપૂર છે.
વિદ્યા એક દ્રશ્યમાં બોલે છે, ગણિતમાં કોઈ નિયમ હોતો નથી, માત્ર જાદુ હોય છે.
શકુંતલા દેવી જેને માટે જાણીતાં બન્યાં હતાં એ તેમનાં હાજરજવાબીપણા અને વિનોદવૃત્તિનાં ગુણને રૂપેરી પડદા પર વિદ્યાએ એકદમ સરસ રીતે રજૂ કર્યાં છે.
છેલ્લે મિશન મંગલમાં જોવા મળેલી વિદ્યા આ રોલમાં એકદમ છવાઈ ગઈ છે અને દર્શકો એની પર ફરીથી વારી જશે.
ટ્રેલરની શરૂઆતમાં વિદ્યા પોતાને ‘માયસેલ્ફ શકુંતલા’ તરીકે ઈન્ટ્રોડ્યૂસ કરે છે.
શકુંતલા દેવીનું 2013ની 21 એપ્રિલે એમનાં જન્મસ્થાન બેંગલોરમાં નિધન થયું હતું. એમની ગણિતની ટેલેન્ટને ધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની 1982ની આવૃત્તિમાં સ્થાન આપવામાં આવ્યું હતું. શકુંતલા દેવી ગમે તેટલી મોટી રકમનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી અમુક સેકંડોમાં જ કરી દેતાં હતાં. તેથી એમને ‘મેન્ટલ કેલક્યૂલેટર’ અને કમ્પ્યુટરનો યુગ આવ્યો ત્યારે ‘હ્યુમન કમ્પ્યુટર’ તરીકે ઓળખવામાં આવ્યાં છે.
ફિલ્મમાં શકુંતલા દેવીનાં અંગત જીવનને પણ તાદ્રશ કરવામાં આવ્યું છે. જેમાં તેઓ એમનાં ગણિતપ્રેમ અને પુત્રી વચ્ચે સંઘર્ષ કરતાં જોવા મળે છે. ફિલ્મમાં એમની પુત્રીનો રોલ સાન્યા મલ્હોત્રાએ અદા કર્યો છે. માતા-પુત્રી વચ્ચેના સંબંધને નાટ્યાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો છે.
અનુ મેનન દ્વારા દિગ્દર્શિત અગાઉ 8 મેએ થિયેટરોમાં રજૂ કરવાનું નિર્ધારિત કરાયું હતું, પરંતુ કોરોના વાઈરસ રોગચાળાને કારણે થિયેટરો બંધ હોવાથી એને 31 જુલાઈએ એમેઝોન પ્રાઈમ વિડિયો પર ગ્લોબલ પ્રીમિયરના રૂપમાં રજૂ કરવામાં આવશે.
જુઓ ફિલ્મનું ટ્રેલર…