દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ) – બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનું ગઈ કાલે અહીં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અંતર્ગત આયોજિત વિશેષ કાર્યક્રમમાં ક્રિસ્ટલ એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું…
માનવ અધિકારો વિશે જનજાગૃતિ ફેલાવવાનું ઉમદા કાર્ય કરવા બદલ શાહરૂખ ખાનનું આ સમ્માન કરવામાં આવ્યું હતું. એની સાથે હોલીવૂડ અભિનેત્રી કેટ બ્લાન્શેટ અને દંતકથાસમા સંગીતકાર એલ્ટન જોનનું પણ સમ્માન કરવામાં આવ્યું હતું.
એવોર્ડ સ્વીકારતી વખતે શાહરૂખે બ્લાન્શેટની એમ કહીને પ્રશંસા કરી હતી, તમે મારા સહિત અબજો લોકોનાં દિલનાં રાણી છો.
રમૂજી સ્વભાવ માટે જાણીતા શાહરૂખે પોતાની સાથે એક સેલ્ફી લેવાનું કેટને જાહેરમાં કહ્યું હતું, પણ પછી તરત જ ટકોર કરી હતી કે, એ જોઈને કદાચ મારાં બાળકો મૂંઝાઈ જશે. સાંભળીને શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
શાહરૂખે પોતાના સામાજિક કાર્ય વિશે વિસ્તૃત રીતે જાણકારી આપી હતી. એ ઝુંબેશને એણે પોતાના પિતાના નામે શરૂ કરી છે. પોતાને સામાજિક કાર્ય કરવાની પ્રેરણા આપવા બદલ શાહરૂખે એની સદ્દગત માતા, પત્ની અને પુત્રીનો આભાર માન્યો હતો. શાહરૂખની સેવાભાવી સંસ્થા મીર ફાઉન્ડેશન ભારતમાં બાળકો તથા મહિલાઓનાં અધિકારો વિશે જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે.
આ સંસ્થા એસીડ હુમલાઓનો ભોગ બનેલી મહિલાઓને તેમજ દાઝી ગયેલા લોકોનો તબીબી ખર્ચ, કાનૂની ખર્ચ ઉપાડે છે, એમને વ્યાવસાયિક માર્ગદર્શન આપે છે, એમનું પુનર્વસન કરે છે અને એમને આજિવીકા ઊભી કરવામાં મદદરૂપ થાય છે.
શાહરૂખે એવોર્ડ આપવા બદલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો આભાર માન્યો હતો અને નમસ્કાર કરીને અને જયહિંદ બોલીને પોતાનું સંબોધન પૂરું કર્યું હતું.