આવો હશે ‘સંજુ’… સંજય દત્તની બાયોપિકનું ટીઝર રિલીઝ કરાયું

મુંબઈ – ફાઈનલી, રાજકુમાર હીરાણીએ પોતાની આગામી ફિલ્મનું નામ તથા એની એક ઝલક (ટીઝર) આજે અહીં મિડિયાકર્મીઓ સમક્ષ રજૂ કર્યા. વિવાદાસ્પદ સ્ટાર સંજય દત્તના જીવન પરથી ઊતરેલી ‘સંજુઃ વન મૅન મેની લાઈવ્સ’ની એક ઝલક આજે પત્રકારોને બતાવવામાં આવી. ફિલ્મમાં સંજુનું કિરદાર ભજવનાર રણબીર કપૂર છ જેટલા વિવિધ ગેટ-અપ્સમાં દેખાશે. ફિલ્મમાં પરેશ રાવલ બન્યા છે સંજુના પિતા સુનીલ દત્ત, જ્યારે મનીષા કોઈરાલા બની છે નરગિસ દત્ત. આ ઉપરાંત સોનમ કપૂર-દિયા મિર્ઝા-અનુષ્કા શર્મા જેવા કલાકારો પણ ફિલ્મમાં છે. જો કે ટીઝરમાં રણબીર સિવાય બીજું કોઈ નથી.

આ અવસરે રાજકુમાર હીરાણીએ જણાવ્યું કે “બાવીસ વર્ષની વયે ડ્રગ્ઝના રવાડે ચડી ગયેલા સંજય દત્તએ પોતાની પહેલી ફિલ્મની રિલીઝના 2-3 દિવસ પહેલાં માતા ગુમાવી, પછી ડ્રગ્ઝની આદત છોડાવવા એ રિહેબિલિટેશનમાં ગયો, 1993ના બૉમ્બબ્લાસ્ટ્સ કેસમાં એની સંડોવણી, એના પ્રેમસંબંધ, લગ્ન, લગ્નવિચ્છેદ, વગેરે અમે આ ફિલ્મમાં બતાવ્યું છે.”

સંજય દત્ત વિદેશમાં શૂટિંગ કરી રહ્યો હોવાથી ઉપસ્થિત રહી શક્યો નહોતો. પણ એણે ખાસ આ અવસર માટે એક વિડિયો મેસેજ દિગ્દર્શક રાજકુમાર હિરાણીને પાઠવ્યો હતો. જેમાં એણે એવું કહ્યું કે રણબીર કપૂર અસ્સલ મારા જેવો લાગે છે તો મહેરબાની કરીને મુન્નાભાઈની નવી ફિલ્મમાં મારા બદલે એને લેશો નહીં.

httpss://youtu.be/l6ynxuhZ3KM

આ છે, સંજુ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર… ફુલ ટ્રેલર આ શુક્રવારે ‘અવેન્જર્સઃ ઈનફિનિટી વોર‘ ફિલ્મની સાથે દેખાડવામાં આવશે.

httpss://youtu.be/rRr1qiJRsXk

‘સંજુ’ ફિલ્મ 29 જૂનએ રિલીઝ થશે.

લેખક અભિજાત જોશી, ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝના વિજયસિંહ, દિગ્દર્શક રાજકુમાર હીરાણી, રણબીર કપૂર, સહનિર્માતા વિધુ વિનોદ ચોપડા

(અહેવાલઃ કેતન મિસ્ત્રી, તસવીરોઃ દીપક ધુરી)