અક્ષયકુમારને માતૃશોકઃ સ્વ.અરૂણા ભાટિયા ફિલ્મનિર્માત્રી હતાં

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારના માતા અરૂણા ભાટિયાનું બીમારીને કારણે આજે સવારે અહીં હિરાનંદાની હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું. એમની વય 82 વર્ષ હતી. એમને આઈસીયૂમાં રાખવામાં આવ્યાં હતાં. અક્ષયકુમારે જ સવારે તેની માતાનાં નિધનના સમાચાર આપ્યા હતા.

રિતેશ દેશમુખ, રોહિત શેટ્ટી, સાજિદ ખાન, રમેશ તૌરાની સહિત અનેક ફિલ્મીહસ્તીઓએ વિલે પારલે (વેસ્ટ)ની સ્મશાનભૂમિ ખાતે અંતિમસંસ્કારમાં હાજરી આપી હતી. જ્યારે અજય દેવગન, સલમાન ખાન, હંસલ મહેતા, પૂજા ભટ્ટ, રેણુકા શહાણે, નીલ નીતિન મુકેશ, દિયા મિર્ઝા સહિત અનેક જણે અક્ષયકુમારને દિલસોજી વ્યક્ત કરતા સંદેશા સોશિયલ મિડિયા દ્વારા પાઠવ્યા છે.

 

અરૂણા ભાટિયા બોલીવુડમાં ફિલ્મ નિર્માત્રી હતાં. એમણે ‘નામ શબાના’, ‘રુસ્તમ’, ‘સિંઘ ઈઝ કિંગ’, ‘પટિયાલા હાઉસ’, ‘ઓ માય ગોડ’, ‘હોલિડેઃ અ સોલ્જર ઈઝ નેવર ઓફ્ફ ડ્યૂટી’, ‘એરલિફ્ટ’, ‘ટોઈલેટઃ એક પ્રેમ કથા’, ‘ચુંબક’, ‘મિશન મંગલ’ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેઓ વિક્રમ મલ્હોત્રાની સાથે ‘રામસેતુ’ ફિલ્મનું પણ નિર્માણ કરી રહ્યાં હતાં. આ ફિલ્મમાં અક્ષયકુમાર, નુસરત ભરૂચા, જેક્લીન ફર્નાન્ડિસની ભૂમિકા છે.

અરૂણા ભાટિયાએ દીકરા અક્ષય કુમાર અને પુત્રવધુ ટ્વિન્કલ ખન્નાની સાથે ‘હરિ ઓમ પ્રોડક્શન’ કંપનીની સ્થાપના કરી હતી. અરૂણા ભાટિયાનાં સ્વર્ગીય પતિ હરિ ઓમના નામે આ કંપની શરૂ કરાઈ છે. અરૂણા ભાટિયાને બે સંતાનઃ એક પુત્ર અક્ષય (રાજીવ) અને એક પુત્રી અલકા.