નાગાપૂગા-વિવાદ: સમન્સની મુદત લંબાવવાની પોલીસને રણવીરસિંહની વિનંતી

મુંબઈઃ એક મેગેઝિનના ફોટોશૂટ માટે નગ્ન બનીને પોઝ આપવાને કારણે બોલીવુડનો અભિનેતા રણવીરસિંહ વિવાદે ચડી ગયો છે. એની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા બાદ ફરિયાદ નોંધાયા બાદ પ્રકરણમાં પૂછપરછ માટે હાજર થવાનું મુંબઈ પોલીસે રણવીરસિંહને સમન્સ મોકલ્યું હતું. પરંતુ એ સમયસર હાજર થયો નથી. એણે હાજર થવા માટેની મુદતને બે-અઠવાડિયા સુધી લંબાવવાની પોલીસને વિનંતી કરી છે. હવે પોલીસ નવી તારીખ નક્કી કર્યા બાદ એને નવેસરથી સમન્સ મોકલશે.

રણવીરસિંહ સામે ચેંબૂર ઉપનગરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક બિનસરકારી સંસ્થાના એક હોદ્દેદારે ગયા મહિને નોંધાવેલી ફરિયાદના આધારે ચેંબૂર પોલીસ સ્ટેશનમાં રણવીર સામે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રીપોર્ટ (એફઆઈઆર) ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે નગ્ન પોઝ આપીને રણવીરસિંહે મહિલાઓની લાગણીને દુભાવી છે અને એમનાં આચરણનું અપમાન કર્યું છે.