મુંબઈઃ કોરોના વાઈરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે 80ના દાયકાની લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણનું હાલ દૂરદર્શન પર પુનઃપ્રસારણ કરાઈ રહ્યું છે. આ સિરિયલના મુખ્ય પાત્રો ભજવનાર કલાકારો પોતપોતાના અનુભવો જણાવી રહ્યાં છે.
સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલીયા-ટોપીવાલાએ પણ એક ઈન્ટરવ્યૂમાં અમુક રસપ્રદ વાતો કહી છે.
દીપિકાનું કહેવું છે કે એમને કોઈ હિન્દી ફિલ્મમાં કોઈ સશક્ત અને અર્થપૂર્ણ ભૂમિકા ભજવવાની ઈચ્છા છે. ખાસ કરીને એમને કોઈ વર્તમાન સમસ્યાને આવરી લેતી કોઈ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મમાં કામ કરવાની બેહદ ઈચ્છા છે.
દીપિકા ચિખલીયા એક હિન્દી ફિલ્મમાં અભિનય કરી રહ્યાં છે જેમાં આયુષ્માન ખુરાના અને યામી ગૌતમની મુખ્ય જોડી છે. મારે ઘણી વધારે જવાબદારીઓ નિભાવવાની હતી એટલે હું ફિલ્મોથી દૂર રહી છું. મારે એક દીકરી છે. એ હવે મોટી થઈ ગઈ છે અને પોતાનું ધ્યાન સ્વયં રાખી શકે છે એટલે હું ફિલ્મમાં ફરી કામ કરવા તૈયાર છું.
દીપિકાએ વધુમાં કહ્યું કે, દિલ્હીની નિર્ભયા ગેંગરેપ કેસ એમને ખૂબ જ હચમચાવી ગયો છે. ‘જ્યારે પણ હું નિર્ભયા રેપ કેસને લગતા સમાચાર ટીવી પર જોઉં છું અને નિર્ભયાનાં માતા આશાદેવીને જોઉં છું ત્યારે એમની પીડા કેવી હશે એ હું સમજી શકું છું. નિર્ભયા અને એના માતાની પીડાને દરેક મહિલા સમજી શકે. આ કેસમાં ન્યાય આવતા સાત વર્ષ નીકળી ગયા. આટલા વર્ષો દરમિયાન એ માતા સાથે શું બન્યું હશે એ તો એમને જ ખબર હોય.’
દીપિકા ચિખલીયાએ કહ્યું કે જો સમાજના હિતમાં નિર્ભયાનાં જીવન પર ફિલ્મ બનાવાય તો એમાં નિર્ભયાનાં માતા આશાદેવીનો રોલ કરવાનું મને જરૂર ગમશે. મારે એવી ફિલ્મોમાં કામ કરવું જે જેનાં પાત્રો સશક્ત અને હિંમતવાન હોય, વાસ્તવિક જીવનમાં આશાદેવી છે એવા.
