મુંબઈઃ ‘રામાયણ’ ટીવી સિરિયલ અને ‘આંખે’, ‘ઘૂંઘટ’, ‘આરઝૂ’ જેવી હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક રામાનંદ સાગર (ચંદ્રમૌલી ચોપરા)ની પૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ મિડિયા પર ખૂબ જ સક્રિય છે. એણે હાલમાં જ એક પોસ્ટ મૂકીને નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ પર ગંભીર આરોપ મૂક્યો છે.
સાક્ષીએ લાંબા લખાણવાળી પોસ્ટ મૂકી છે જેને કારણે સૌનું ધ્યાન એની પર ખેંચાયું છે.
સાક્ષી ચોપરા એનાં હોટ ફોટોગ્રાફ્સ અને વિડિયો અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. ગઈ કાલે એણે પોતાની કેટલીક તસવીરો સાથે લખાણ જોડીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં છે. એમાં તેણે લખ્યું છે: ‘નેટફ્લિક્સ ઈન્ડિયા શો વખતે મારી જાતીય સતામણી કરવામાં આવી હતી. મારી કપડાં પહેરવાની સ્ટાઈલ નોખી હોવાથી એમણે એવું માની લીધું હશે કે હું બધું ચલાવી લઈશ… મેં સ્વીકારેલા કરારમાં માત્ર એટલું જ વચન આપવામાં આવ્યું હતું કે દિવસમાં માત્ર એક જ ફોન કરવાનો રહેશે. પણ @netflix_in એ એક વર્ષથી પણ વધારે વખત મારો સંપર્ક કર્યો હતો…’
સાક્ષીએ વધુમાં લખ્યું છે, ‘શરૂઆતમાં મેં શોમાં હાજરી આપવાનો ઈનકાર કર્યો હતો, પણ ત્યારબાદ શોનાં વરિષ્ઠોએ બેઠક બોલાવી હતી અને મને શો કેવા પ્રકારનો હશે એ વિશે મને ખાતરી આપી હતી. શોમાં સક્રિય થવા માટે એમની તરફથી મને સતત ફોન કરવામાં આવતા હતા. પરંતુ એમણે મને શો વિશે યોગ્ય માહિતી આપી નહોતી. શોમાં માત્ર ગેમ હશે એવું મને જણાવવામાં આવ્યું હતું, શોમાં શું ચાલી રહ્યું છે એ વિશે મારી માતા મને ફોન કરીને પૂછતી હતી, પરંતુ દરેક કોલ પર મેનેજરનો ચોકીપહેરો રહેતો હતો. એવા એક કોલ પર હું વાત કરતી હતી ત્યારે નિર્માતાઓએ મારાં હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો… હું કયાં કપડાં પહેરવાનું પસંદ કરું છું એ મહત્ત્વનું નથી. મારી વિનયશીલતાનું જાહેરમાં અપમાન કરવાની મેં કોઈને પણ પરવાનગી આપી નથી… મને ધમકી આપવામાં આવતી કે કામ પૂરું કર્યા વગર જમવાનું આપવામાં નહીં આવે.’
(તસવીર સૌજન્યઃ સાક્ષી ચોપરા ઈન્સ્ટાગ્રામ)