સાઉથ સ્ટાર રામચરણે કન્ફર્મ કર્યું: એ હોલીવુડ ફિલ્મમાં ચમકશે

લોસ એન્જેલીસઃ તેલુગુ ફિલ્મ ‘આરઆરઆર’ની દેશભરમાં તેમજ વિદેશમાં પણ બોલબાલા થઈ રહી છે. ઓસ્કર-2023 માટે એના એક ગીતને નામાંકન પણ મળ્યું છે. હવે ચાહકો માટે આનંદદાયક બીજા સમાચાર એ છે કે આ ફિલ્મનો અભિનેતા રામચરણ ટૂંક સમયમાં જ હોલીવુડની એક ફિલ્મમાં ચમકવાનો છે. રામચરણે પોતે જ અમુક દિવસો પહેલાં હોલીવુડમાં કામ કરવાની પોતાની ઈચ્છા દર્શાવી હતી અને એણે સમર્થન પણ આપ્યું છે કે પોતે હોલીવુડની ફિલ્મમાં કામ કરવાનો છે.

હવે એવા એક પ્રોજેક્ટની ટૂંક સમયમાં જ જાહેરાત કરાય એવી ધારણા છે. હોલીવુડનો ટોચનો અભિનેતા બ્રેડ પીટ અને રામચરણ કોઈ ફિલ્મમાં સાથે ચમકે એવી શક્યતા છે. રામચરણે હાલમાં જ એક વાર્તાલાપમાં કહ્યું હતું કે પોતે હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે અમુક જાણીતા દિગ્દર્શકો સાથે મુલાકાત કરી રહ્યો છે. પોતાને ટોમ ક્રૂઝ, જુલિયા રોબર્ટ્સ અને બ્રેડ પીટ સાથે કામ કરવાની ઈચ્છા હોવાનું પણ રામચરણે જણાવ્યું છે.

રામચરણ અને જુનિયર એનટીઆર અભિનિત ‘આરઆરઆર’ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને ઓસ્કર-2023 માટે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરી માટે નામાંકન મળ્યું છે. ઓસ્કર એવોર્ડ સમારંભ 12 માર્ચે લોસ એન્જેલીસમાં યોજાવાનો છે. રામચરણ તથા ‘આરઆરઆર’ની ટીમના સભ્યો હાલ એ માટે ત્યાં જ ગયા છે.