જેકી ભગનાની-રકુલપ્રીતે એમનાં પ્રેમ-સંબંધને સત્તાવાર જાહેર કર્યો

મુંબઈઃ નિર્માતા અને અભિનેતા જેકી ભગનાનીએ એ વાતનું સમર્થન કર્યું છે કે સોશિયલ મિડિયા પર પોતે અભિનેત્રી રકુલપ્રીત સિંહને ડેટિંગ કરી રહ્યો છે. આજે રકુલપ્રીતનો 31મો જન્મદિવસ છે અને જેકીએ ઈન્સ્ટાગ્રામ પર રકુલને જન્મદિવસની શુભેચ્છા આપી છે એ સાથે બંનેની એક તસવીર પણ શેર કરી છે, જેમાં બંને જણ હાથ પકડીને ચાલી રહ્યાં છે.

રકુલપ્રીતે પણ જાહેર કર્યું છે કે પોતે જેકીને ડેટ કરી રહી છે. તેણે પણ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર આ જ તસવીર શેર કરી છે. તેની સાથેની કેપ્શનમાં એણે લખ્યું છે, ‘થેંક યૂ માય લવ. તું આ વર્ષે મને બર્થડે ગિફ્ટ તરીકે મળ્યો છે. મારી જિંદગીમાં વધારે રંગો ભરવા બદલ તારો આભાર. મને સતત આટલું બધું હસાવવા બદલ તારો આભાર… આપણે બેઉ મળીને હવે વધારે યાદને તાજી કરીશું.’ આ તસવીર વાઈરલ થયા બાદ મનોરંજન જગતમાંથી રકુલપ્રીત પર જન્મદિવસ તેમજ જેકી સાથે રિલેશનશિપ, એમ બંને માટે શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. રકુલ અને જેકી એકબીજાંનાં પ્રેમમાં છે એ વાતની આજ પહેલાં કોઈને ખબર નહોતી.

રકુલપ્રીતે હાલમાં જેકી ભગનાનીના નિર્માણ હેઠળની ફિલ્મ ‘પ્રોડક્શન 41’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં રકુલ અને અક્ષયકુમારની મુખ્ય ભૂમિકા છે. રકુલ આ ઉપરાંત ‘અટેક’, ‘મેડે’, ‘થેંક ગોડ’, ‘ડોક્ટર જી’, ‘ઈન્ડિયન 2’ ફિલ્મોમાં પણ ચમકવાની છે. જેકી ભગનાની ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ ‘ગણપત વન’ પણ બનાવી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]