બોલીવુડ યુગલ રાજકુમાર રાવ-પત્રલેખા લગ્ન કરશે

મુંબઈઃ બોલીવુડનાં કલાકાર યુગલો લગ્ન કરી રહ્યાં હોવા વિશે છેલ્લા કેટલાક દિવસોથી અફવાઓ ઊડી રહી છે અને અહેવાલો વાંચવા મળી રહ્યા છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન કરી રહ્યાં હોવાની વાતો તો મહિનાઓથી ચાલે છે અને ગઈ કાલે એવી અફવા ચગી કે કેટરીના કૈફ અને વિકી કૌશલ આવતા મહિને લગ્ન કરવાનાં છે. આજે એક વધુ યુગલનાં લગ્નની વાત સાંભળવા મળી છે. આ છે રાજકુમાર રાવ અને પત્રલેખા.

સૂત્રોના જણાવ્યા મુજબ, 2014માં આવેલી હિન્દી ફિલ્મ ‘સિટીલાઈટ્સ’માં પતિ-પત્નીની ભૂમિકા ભજવનાર રાજકુમાર અને પત્રલેખાનાં લગ્નની ઉજવણી ત્રણ દિવસની રહેશે – નવેમ્બરની 10, 11 અને 12. બંને જણ રાજસ્થાનના જયપુરમાં લગ્ન કરવાનાં છે. લગ્નસમારંભ પરંપરાગત શૈલીનો હશે. આમંત્રણપત્રિકાઓ મોકલવામાં આવી રહી છે અને લગ્નની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. લગ્નમાં બંનેનાં પરિવારજનો અને ખાસ નિકટનાં સગાંસંબંધીઓ જ હાજર રહેશે. રાજકુમાર અને પત્રલેખા આઠેક વર્ષથી એકબીજાનાં પ્રેમમાં છે. બંનેએ એમનાં સંબંધને ખાનગી રાખ્યો છે, પરંતુ વાત એક વાર બહાર પડી ગયા બાદ તેઓ ફોટોગ્રાફરો સામે પોઝ આપવામાં વાંધો ઉઠાવતાં નથી.