આર્યન ખાન આવતી કાલે NCB સમક્ષ હાજર થશે

મુંબઈઃ ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે સોમવારે દિલ્હીની NCB SITની ટીમના અરબાઝ મર્ચન્ટ અને અચિતકુમારને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. બંને NCB ઓફિસ પહોંચ્યા હતા. NCB SIT જે છ કેસોની તપાસ કરી રહી છે, એ કેસમાં જેટલા આરોપીઓ છે-તેમને તપાસ માટે બોલાવવામાં આવશે. આર્યન ખાન અને નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પણ બોલાવવામાં આવશે.

આર્યન ખાનને સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે આર્યન તપાસ માટે NCBની ઓફિસમાં નહોતો પહોંચ્યો. આર્યન ખાનને ગઈ કાલે સાંજે છ કલાકથી આઠ કલાકની વચ્ચે બોલાવવામાં આવ્યો હતો, પણ તેને તાવ આવતો હતો, જેથી તે હાજર નહોતો થઈ શક્યો, એમ NCBએ જણાવ્યું હતું. હવે તે આવતી કાલે નિવેદન આપવા NCBની ઓફિસમાં પહોંચશે.
29 ઓક્ટોબરે આર્યનને હાઇકોર્ટે રૂ. એક લાખમાં જામીન આપ્યા છે. આ જામીન દરમ્યાન આર્યન ખાનને બાકીના અન્ય આરોપીઓની જેમ જામીનની શરતો પૂરી કરવાની છે, જેમાં તેણે પાસપોર્ટ જમા કરાવવાનો છે અને દર શુક્રવારે NCBની ઓફિસમાં હાજરી આપવાની છે. આર્યન NDPS કોર્ટની મંજૂરી વગર મુંબઈ અને દેશની બહાર નહીં જઈ શકે. વળી તે સોશિયલ મિડિયા પર કેસ વિશે પોસ્ટ પણ કરી શકે અને અન્ય આરોપીઓનો સંપર્ક પણ નહીં કરી શકે.

બીજી બાજુ આ કેસમાં મુંબઈ પોલીસની SITએ શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણીને સમન્સ મોકલ્યા છે. પૂજા પર આરોપ છે કે તેણે આર્યનને બચાવવા માટે નાણાંની ઓફર કરી હતી. જોકે પૂજાએ નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને વધુ સમય માગ્યો છે.