બ્રેન-સ્ટ્રોકથી રાહુલ રોયના શરીરના જમણા ભાગને અસર

મુંબઈઃ 1990માં જેના કર્ણપ્રિય ગીતોએ લોકોને દીવાના બનાવી દીધા હતા એ ‘આશિકી’ ફિલ્મનો અભિનેતા રાહુલ રોય હાલ બ્રેન સ્ટ્રોકનો શિકાર બન્યા બાદ અહીં વિલે પારલે (વેસ્ટ) સ્થિત નણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એને એપેઝિયા નામની બીમારી લાગુ પડી છે. હાલ એની માનેલી બહેન પ્રિયંકા અને બનેવી રોમીર સેન એની દેખભાળ કરી રહ્યાં છે.

અહેવાલ મુજબ, રાહુલના સ્વાસ્થ્યમાં સુધારાની ગતિ ધીમી છે. બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ એના શરીરના જમણા ભાગને અસર થઈ છે. એ કોઈ પણ વાક્ય સરખી રીતે બોલી શકતો નથી. હોસ્પિટલના ડોક્ટરો એની પર સર્જરી કરવા વિચારે છે, પરંતુ રાહુલ માટે તે ખતરનાક સાબિત થઈ શકે એમ હોવાથી તેઓ આગળ વધતા નથી. હાલ એ દવા પર જ છે અને એની અસર વર્તાઈ રહી છે, જોકે ધીમી છે. જરૂર પડશે તો ફિઝિયોથેરેપીના સત્રો પણ કરવામાં આવશે.

54 વર્ષીય રાહુલ રોય ડિજિટલ ફિલ્મ ‘એલએસી-લાઈવ ધ બેટલ ઈન કારગિલ’ના શૂટિંગ માટે કારગિલ વિસ્તારમાં ગયો હતો. ત્યાં માઈનસ 15 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતું અને એ કાતિલ ઠંડીને કારણે એને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. એને ત્યાંથી એરલિફ્ટ કરી શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં એની તબિયત બગડતાં એને 28 નવેમ્બરની રાતે મુંબઈ લાવી નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.