જોધપુર – બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિકોલસ (નિક) જોનાસે આજે અહીંના ઉમેદ ભવન પેલેસ ખાતે પરંપરાગત હિન્દુ વિધિથી લગ્ન કર્યાં છે. બંનેએ ગઈ કાલે આ જ સ્થળે પરંપરાગત ખ્રિસ્તી વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય બ્યુટી આઈકન અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરા (36) અને 26 વર્ષીય નિક જોનાસનાં આજના લગ્ન પ્રસંગ સાથે ઉમેદ ભવન ખાતે એમના ત્રણ-દિવસીય લગ્ન પ્રસંગોનું સમાપન થયું છે. લગ્ન પ્રસંગોમાં પ્રિયંકાનાં માતા મધુ ચોપરા, ભાઈ સિદ્ધાર્થ અને પિતરાઈ બહેન પરિણિતી હાજર હતાં જ્યારે નિકનાં માતા-પિતા ઉપરાંત ત્રણ ભાઈઓ પણ હાજર હતા.
આ ત્રણ-દિવસમાં મહેંદી કાર્યક્રમ, સંગીત સંધ્યા, ખ્રિસ્તી વિધિના લગ્ન, હિન્દુ વિધિના લગ્ન, ફ્રેન્ડ્લી ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લગ્ન પ્રસંગ સંપૂર્ણપણે ખાનગી સ્તરનો હતો. મિડિયાકર્મીઓને એમાં આમંત્રણ અપાયું નહોતું.
1 ડિસેમ્બરના ખ્રિસ્તી વિધિ પ્રમાણેનાં લગ્ન વખતે નિક જોનાસના પિતા પૌલ કેવિન જોનાસે બંનેનાં લગ્ન કરાવ્યા હતા.
સંગીત સંધ્યામાં જોનાસ અને ચોપરા પરિવારનાં સભ્યો, સગાંસંબંધીઓએ બોલીવૂડ ફિલ્મોનાં ગીતો પર ડાન્સ કર્યો હતો. કેટલાક ગીતો પ્રિયંકા ચોપરાની ફિલ્મોનાં વગાડવામાં આવ્યા હતા. સંગીત સેરેમનીમાં પ્રિયંકા અને નિક ખૂબ નાચ્યાં હતાં.
હવે બંને પરિવાર તરફથી આવતા મંગળવારે નવી દિલ્હીમાં અને ત્યારબાદ મુંબઈમાં રિસેપ્શન રાખવામાં આવશે.
ખાસ આમંત્રિતોમાં, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમના પરિવારનાં સભ્યો હાજર હતા, જેમાં પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા, બંને પુત્રો આકાશ અને અનંત તથા બંનેની ફિયાન્સી શ્લોકા મહેતા અને રાધિકા મરચંટનો સમાવેશ થાય છે.
httpss://twitter.com/starneelima/status/1069261463573995520