‘પઠાણ’ મુદ્દે શાહરૂખના વિરોધીઓ-ચાહકો આમનેસામને

મુંબઈઃ ‘ભારતમાં અસહિષ્ણુતા હોવાનું’ વિવાદાસ્પદ નિવેદન કરનાર આમિર ખાનની લાલસિંહ ચઢ્ઢા ફિલ્મનો બહિષ્કાર કરવાની હાકલ કર્યા બાદ કેટલાક ઈન્ટરનેટ યૂઝર્સે હવે અન્ય બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની આગામી પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. સોશ્યલ મીડિયા યૂઝર્સે શાહરૂખ ખાનના એક જૂના ઈન્ટરવ્યૂનો વીડિયો શોધી કાઢ્યો છે અને હાલ ઈન્ટરનેટ પર ફરતો કર્યો છે. એક ન્યૂઝ ચેનલને આપેલા તે ઈન્ટરવ્યૂમાં શાહરૂખ ‘ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે’ એવું બોલતો દેખાય છે, સંભળાય છે. જ્યારે પત્રકારોએ પૂછ્યું, ‘ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે એવું તું માને છે?’ ત્યારે શાહરૂખે જવાબ આપ્યો હતો, ‘હા અસહિષ્ણુતા છે, અત્યંત અસહિષ્ણુતા છે, મને લાગે છે કે અસહિષ્ણુતા વધી રહી છે.’

બીજી તરફ, શાહરૂખના કેટલાક ચાહકો આ અભિનેતા અને એની ‘પઠાણ’ ફિલ્મની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે. એમણે ટ્વિટર પર ‘પહેલા દિવસે પહેલા શોમાં પઠાણ’ જોવાની (#PathaanFirstDayFirstShow) હાકલ કરી છે. બીજા અમુકે ‘ભારતને ઈંતજાર છે પઠાણનો’ #indiaawaitspathan હેશટેગ ટ્રેન્ડમાં મૂક્યો છે. ‘પઠાણ’ શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ છે, જે 2023ની 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં એની સાથે દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]