‘મી ટૂ’ ચળવળઃ સાબિત થનાર ગુનેગારો સાથે નંદિતા, કોંકણા, મેઘના કામ નહીં કરે

મુંબઈ – મહિલાઓની જાતીય શોષણ-સતામણીનો પર્દાફાશ કરતી દેશભરમાં ફેલાઈ ગયેલી #MeToo ઝૂંબેશ અંતર્ગત જે પુરુષ કલાકારો-કસબીઓ ગુનેગાર સાબિત થશે એમની સાથે કામ ન કરવાનો 11 મહિલા ભારતીય નિર્માત્રીઓએ નિર્ણય લીધો છે. એમણે કહ્યું છે કે સાબિત થનાર ગુનેગારો સાથે કામ ન કરવાનું તેમણે વલણ લીધું છે.

આ નિર્ણય લેનાર નિર્માત્રીઓ છે – અલંક્રિતા શ્રીવાસ્તવ, ગૌરી શિંદે, કિરણ રાવ, કોંકણા સેન-શર્મા, મેઘના ગુલઝાર, નંદિતા દાસ, નિત્યા મેહરા, રીમા કાગ્તી, રુચી નારાયણ, શોનાલી બોઝ અને ઝોયા અખ્તર. આ તમામે સોશિયલ મિડિયા પર સર્ક્યૂલેટ કરેલી એક નોંધ પરથી આ જાણવા મળ્યું છે.

નોંધમાં જણાવાયું છે કે, ‘મહિલાઓ અને નિર્માત્રીઓ તરીકે અમે ‘મી ટૂ ઈન્ડિયા’ ચળવળને અમારો ટેકો જાહેર કરીએ છીએ. જે સ્ત્રીઓએ એમની પર કરાયેલી સતામણી અને હુમલા વિશે પ્રામાણિકપણે જાહેરાત કરી છે અમે સંપૂર્ણપણે એમની પડખે છીએ. એક આવકારદાયક ક્રાંતિ શરૂ કરવામાં એમણે દર્શાવેલી હિંમતનો અમે આદર કરીએ છીએ અને પ્રશંસા કરીએ છીએ.’

‘અમે આ જાગૃતિનો ફેલાવો કરીએ છીએ, જેથી કામકાજના સ્થળોએ તમામ માટે સુરક્ષિતતાભર્યા અને સમાનતાભર્યા વાતાવરણનું નિર્માણ કરવામાં સહાયતા મળે. અમે એવું વલણ લીધું છે કે સાબિત થનાર ગુનેગારો સાથે અમે કામ નહીં કરીએ. આવું જ વલણ લેવાની ઉદ્યોગમાં અમારા સમોવડિયાઓને પણ અમે વિનંતી કરીએ છીએ.’

httpss://www.instagram.com/p/Bo5sXOAAbLn/?taken-by=meghnagulzar

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ‘મી ટૂ’ ચળવળનો આરંભ અભિનેત્રી તનુશ્રી દત્તાએ છેક 2008માં બનેલા એક બનાવમાં અભિનેતા નાના પાટેકર વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ મૂક્યો એમાંથી થયો છે. એ પછી અનેક મહિલાઓએ એમની સાથે પણ ભૂતકાળમાં બનેલા જાતીય સતામણીના કમનસીબ બનાવોનો હિંમત કરીને ઘટસ્ફોટ કર્યો છે. આને કારણે આલોકનાથ, રજત કપૂર, સુભાષ ઘઈ, વિકાસ બહલ, સુભાષ કપૂર, કૈલાશ ખેર, સાજિદ ખાન જેવા અનેક નામાંકિત લોકો ફસાયા છે.

અભિનેતા આમિર ખાન એ ફિલ્મમાંથી ખસી ગયો છે જેનું દિગ્દર્શન સુભાષ કપૂર કરી રહ્યા છે. અક્ષય કુમારે ‘હાઉસફૂલ 4’ ફિલ્મનું નિર્માણ ત્યાં સુધી અટકાવી દેવાની નિર્માતાઓને વિનંતી કરી છે જ્યાં સુધી પોલીસ તપાસ પૂરી ન થાય. આ ફિલ્મના દિગ્દર્શક સાજિદ ખાન છે અને નાના પાટેકર સહ-કલાકાર છે. એવી જ રીતે, ઋતિક રોશને પણ ‘સુપર 30’ ફિલ્મના નિર્માતાઓને વિનંતી કરી છે કે તેઓ વિકાસ બહલ સામે કડક વલણ અપનાવે, જે આ ફિલ્મના દિગ્દર્શક છે.

સાજિદ ખાને તો ‘હાઉસફુલ 4’ના દિગ્દર્શક તરીકે રાજીનામું આપ્યા બાદ નિર્માતાઓએ એમની જગ્યાએ ફરહાદ સામજીને નિયુક્ત પણ કરી દીધા છે.