અક્ષય કુમારની ‘પેડમેન’ ફિલ્મ ટોકિયો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરાશે

મુંબઈ –  આર. બાલ્કી દિગ્દર્શિત અને અક્ષય કુમાર અભિનીત ‘પેડમેન’ ફિલ્મે હવે ગ્લોબલ રૂપ ધારણ કર્યું છે. રશિયા, આઈવરી કોસ્ટ, ઈરાક, યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડા બાદ આ ફિલ્મ હવે જાપાની ફિલ્મરસિયાઓને મનોરંજન કરાવવાની છે.

‘પેડમેન’ ફિલ્મ આ વર્ષના 31મા ટોકિયો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થવાની છે.

અક્ષયે આ સમાચાર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એણે તેના પ્રોફાઈલ પર આ ફિલ્મનું જાપાનીઝ પોસ્ટર શેર કર્યું છે.

એણે લખ્યું છે કે પેડમેન ટોકિયો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થવાની છે એ જાણીને હું ખૂબ જ રોમાંચિત થઈ ગયો છું. TIFF 9-દિવસનો ફિલ્મોત્સવ હોય છે. એનું આયોજન ટોકિયોના મિનાતો સિટીના રોપોન્ગી હિલ્સ થિયેટરમાં કરાશે.

‘પેડમેન’માં અક્ષય ઉપરાંત રાધિકા આપ્ટે અને સોનમ કપૂર પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

ટ્વિન્કલ ખન્ના દ્વારા નિર્મિત આ ફિલ્મે ભારતમાં ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી છે. આ ફિલ્મ એક ઉદ્યોગસાહસી અરૂણાચલમ મુરુગનાથમના સત્યકથા પર આધારિત છે. મુરુગનાથમે માસિક સ્ત્રાવથી પીડિત મહિલાઓ માટે સસ્તી કિંમતવાળા સેનિટરી પેડ અથવા સેનિટરી નેપ્કિન્સ બનાવતું મશીન બનાવ્યું હતું અને પોતાના ગામમાં એ વિશે જાગૃતિ આણી હતી.

મુરુગનાથમની વાર્તાને ટ્વિન્ક ખન્નાએ એમના પુસ્તક ‘ધ લેજન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ’માં પણ સામેલ કરી હતી.

અક્ષય કુમાર હાલ નવી ફિલ્મ ‘હાઉસફુલ 4’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તદુપરાંત એ કરીના કપૂર-ખાન સાથે ‘ગૂડ ન્યૂઝ’ ફિલ્મ પણ કરી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]