‘મેટ ગાલા-2023’ ફેશન સમારોહની ટિકિટની કિંમત રૂ. 41 લાખ

ન્યૂયોર્કઃ ફેશન જગતના સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ગણાતા વાર્ષિક કાર્યક્રમ ‘મેટ ગાલા’ની આ વર્ષની આવૃત્તિ 1 મેએ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સના કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ ખાતે યોજવામાં આવનાર છે. ભારત 2017ની સાલથી આ ફેશન શોમાં ભાગ લેતું થયું છે જ્યારે પ્રિયંકા ચોપરા, દીપિકા પદુકોણ અને ઈશા અંબાણીએ પદાર્પણ કર્યું હતું.

આ વખતના ફેશન શોમાં હાજરી આપવા માટેની ટિકિટની કિંમત અધધધ રીતે વધારી દેવામાં આવી છે. એક ટિકિટનો ભાવ 50,000 ડોલર (આશરે 41 લાખ 13 હજાર રૂપિયા) કરી દેવામાં આવ્યો છે, જે ગયા વર્ષે 30,000 ડોલર હતો. ટિકિટના ભાવમાં સીધો 20 હજાર ડોલરનો ધરખમ વધારો કરવાના આયોજકોના નિર્ણયની વ્યાપક રીતે ટીકા કરવામાં આવી રહી છે. ગયા વર્ષના મેટ ગાલામાં આયોજકોને એક કરોડ 74 લાખ ડોલરની કમાણી થઈ હોવાનું કહેવાય છે.

મેટ ગાલા ફેશન શોની શરૂઆત 1948માં કરવામાં આવી હતી. ન્યૂયોર્કમાં મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે શરૂ કરાયેલી કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટના સંચાલન માટે ભંડોળ એકત્ર કરવાના ઉદ્દેશ્યથી પ્રથમ ‘મેટ ગાલા’નું આયોજન કરાયું હતું અને ત્યારબાદ એ વાર્ષિક કાર્યક્રમ બની ગયો છે. પ્રથમ કાર્યક્રમ વખતે ટિકિટનો ભાવ 50 ડોલર હતો, જેમાં ડિનર પણ સામેલ હતું.

આ કાર્યક્રમમાં દુનિયાના ટોચના અને અગ્રગણ્ય ફેશન ડિઝાઈનરો એમની લેટેસ્ટ ડિઝાઈનનાં વસ્ત્રોનું પ્રદર્શન કરતા હોય છે. આ કાર્યક્રમમાં અનેક ટોચની સેલિબ્રિટી વ્યક્તિઓ અને મોડેલ્સ હાજરી આપતી હોય છે.