સલમાન ખાનના બોડીગાર્ડ શેરાની વાર્ષિક આવક છે રૂ. બે કરોડ

મુંબઈઃ બોલીવુડ એક્ટર સલમાન ખાનનો અંગરક્ષક ગુરમીત સિંહ જોલી ઉર્ફે શેરા પણ એક સેલિબ્રિટી બની ગયો છે. તે દાયકાઓથી સલમાનના બોડીગાર્ડ તરીકે સેવા બજાવી રહ્યો છે. શેરા એક બોડીબિલ્ડર છે. એણે 1987-1988માં શરીર સૌષ્ઠવની અનેક સ્પર્ધાઓ જીતી હતી.

એણે 1993થી હાઈ-પ્રોફાઈલ બોડીગાર્ડ તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. સલમાનનો બોડીગાર્ડ બન્યો એ પહેલાં તે માઈકલ જેક્સન, જેકી ચેન, વિલ સ્મિથ, કિઆનુ રીવ્સ જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો બોડીગાર્ડ હતો. 1995માં રીવ્સની એક પાર્ટીમાં તે સલમાનને મળ્યો હતો. ત્યાં સલમાનના ભાઈ સોહેલે શેરાને સલમાનના બોડીગાર્ડ બનવાની ઓફર કરી હતી. 1998માં શેરાએ પહેલી વાર ચંડીગઢમાં સલમાનનો શો સંભાળ્યો હતો. ત્યારથી એ સલમાનના અંગરક્ષક તરીકેની કામગીરી બજાવતો આવ્યો છે.

અહેવાલો  અનુસાર, શેરાની વાર્ષિક આવક બે કરોડ રૂપિયા છે. એ દર મહિને રૂ. 15 લાખ કમાય છે. શેરા કાર અને મોટરસાઈકલોનો પણ શોખીન છે. એણે મહિન્દ્રા થાર ખરીદી છે, તદુપરાંત એની પાસે કાવાસાકી સુપરબાઈક અને બીએમડબલ્યુ કાર પણ છે. તે ‘ટાઈગર સિક્યુરિટી’ એજન્સી ચલાવે છે. જે દુનિયાભરમાં અનેક સેલિબ્રિટી વ્યક્તિઓને સુરક્ષા પૂરી પાડે છે.