કંગના રણૌતની ‘મણિકર્ણિકા’ ફસાઈ મોટી મુસીબતમાં; હવે નિર્માતાને બરતરફ કરાયા

મુંબઈ – કંગના રણૌત અભિનીત ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મ ફરી નવી મુસીબતમાં મૂકાઈ ગઈ છે. અભિનેતા સોનુ સૂદ ફિલ્મમાંથી ખસી ગયા બાદ અનેક દ્રશ્યોનું ફરી શૂટિંગ કરવાની ક્રૂ દ્વારા માગણી કરાતાં ફિલ્મનું બજેટ રૂ. 70 કરોડથી વધીને રૂ. 100 કરોડનું થઈ ગયું છે.

બજેટ વધી જતાં ઝી સ્ટુડિયોઝના બિઝનેસ વિભાગના વડા સુજય કટ્ટીને બરતરફ કરી દેવામાં આવ્યા છે.

સુજય કટ્ટીએ બજેટ વધારવાની હા પાડતાં ઝી સ્ટુડિયોઝ કંપનીએ એમને કાઢી મૂક્યા છે. એ માટે કંપનીએ ખર્ચમાં કાપ મૂકવાનું કારણ આપ્યું છે.

ફિલ્મના દિગ્દર્શક હટી ગયા બાદ કંગનાએ જ ફિલ્મનું ડાયરેક્શન સંભાળવાનું નક્કી કર્યું હતું. એનાથી નારાજ થઈને સોનુ સૂદ ફિલ્મ છોડી ગયો છે.

ફિલ્મના ઘણા દ્રશ્યોને ફરી શૂટ કરવા માટે વધુ 30 કરોડ રૂપિયાનું ફંડ ઝી સ્ટુડિયો કંપની ફાળવે છે કે નહીં એ સવાલ ઘણાયને સતાવે છે.

ઐતિહાસિક વાર્તા પર આધારિત આ ફિલ્મ 2019ના પ્રજાસત્તાક દિને રિલીઝ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે, પરંતુ ફિલ્મ સમયસર પૂરી થશે કે કેમ તે જોવાનું રહ્યું.